Gujarat

જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની જામનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રધ્‍વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીશ્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, અશ્વ દળ, વગેરેના જવાનોની માર્ચપાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PMJAY- માં યોજના સાથે જોડાયેલા કર્મીઓ, વન વિભાગના જવાનો તથા કરૂણા અભિયાન હેઠળ લાખોટા નેચર ક્લબને જિલ્લામાં શ્રેષ્ઠ કમગીરી બદલ સન્માનિત કર્યા હતા.

 

આ પ્રસંગે મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવા તમામ દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. એમના થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ.દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરાકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.

 

આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાને વિકાસની રાહે આગળ લઈ જવાની મંત્રીશ્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી  હતી.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી દ્વારા વિવિધ વિભાગના કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ, PMJAY- માં યોજના, કરૂણા અભિયાન તથા વન વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા બદલ કર્મીઓને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રીશ્રીએ જામનગર જિલ્લાના વિકાસ કામો માટે રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રીએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.  

 

આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઇ કગથરા, જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, વરિષ્‍ઠ નાગરિકો, સ્‍થાનિક પ્રજાજનો, પત્રકારો વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

વીરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *