Gujarat

જૂનાગઢની ૬૫૦ હયાત હેંડ પંપવાળા જાહેર બોરમાં વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો પ્રારંભઃ ૧૫ સ્થળોએ થવા લાગ્યો વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ

 સૌરાષ્ટ્ર એ સુકો પ્રદેશ છે, આ વિસ્તારમાં કોઇ બારમાસી નદી નથી. પાણી માટે વરસાદ ઉપર જ આધાર રાખવો પડે છે, જે વર્ષ વરસાદ ઓછો પડે ત્યારે પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાતી હતી. એવા સંજોગોમાં ગુજરાત સરકારે છેક નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને આપવા માટે સૌની યોજના બનાવી. જેનાથી સૌરાષ્ટ્રના પાણીની સમસ્યાનું નિરાકરણ થયુ છે. પણ જયારે જયારે સૌની યોજનાથી સૌરાષ્ટ્રને પાણી આપવામાં આવે છે ત્યારે તેનો બહુ મોટો ખર્ચ સરકારને ભોગવવો પડતો હોય છે.

એવા સંજોગોમાં જો વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ દરેક ઘરો, સંસ્થાઓ, શાળા કોલેજોમાં કરવામાં આવે તો તો ભૂગર્ભ જળ ઉંડા ઉતરે અને પાણીની સમસ્યાનું ઘણા અંશે નિરાકરણ થઇ શકે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેયરશ્રી ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ (વોટર હાર્વેસ્ટીંગ)નો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આ અંગે માહિતી ખાતાની ટીમને જાણકારી આપતાં મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરશ્રી કહે છે કે, મહાનગરપાલિકા હસ્તકના જૂનાગઢ શહેરમાં જાહેર સ્થળોએ આવેલા ૬૫૦ હયાત હેંડ પંપ વાળા બોર (હાથાવાળી ડંકી)માં વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો પ્રારંભ થયો છે.

મેયરશ્રી તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રી દ્વારા ચાલુ વર્ષના બજેટમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની કામગીરી અંગે અલગ બજેટ ફાળવવામાં આવ્યુ છે. આ કામ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ.૨ કરોડની ગ્રાંટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટ તા.૨૯.૭.૨૨ના શરૂ થયો ત્યારથી ૧૫ જેટલી જગ્યાએ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઇનસ્ટોલ થઇ ચૂકી છે. આગામી ટૂંક સમયમાં આંગણવાડી, પીએચસી સેન્ટર, ઝોનલ ઓફિસમાં હાલની વરસાદી સિઝનને આવરી લેતાં જૂનાગઢ જિલ્લામાં બોર – હેન્ડ પંપ ઉપર  પૂરા શહેરમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ જશે.

handpump.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *