અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કે, જેમાં છૂટક મજૂરી કરતા કારીગરો-શ્રમિક સહિતના કર્મયોગીઓનો સમાવેશ થાય છે. આ કર્મયોગીઓને સરળતાથી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે ઈ- શ્રમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના ૨.૧૪ લાખ કર્મયોગીઓને ઈ- શ્રમ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. આ કાર્ડના માધ્યમથી શ્રમયોગીઓને રૂ. ૨ લાખનો અકસ્માત મૃત્યુ વીમો તથા અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખની સહાય આપવામાં આવશે. ઉપરાંત ભવિષ્યમાં અન્ય સામાજિક સુરક્ષાના લાભો પણ આ કાર્ડના માધ્યમથી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોરોના મહામારીની સ્થિતિમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ ખૂબ વિપરીત પરિસ્થિતિમાં મુકાયા હતા. જેથી ભારત સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની નોંધણી અને તેઓને એક ઓળખ આપવા માટે ઈ- શ્રમ કાર્ડ યોજના જાહેર કરવામાં આવી છે.
