Gujarat

જેતપુરને અજગર ભરડો લેતા ભૂમાફિયાઓ

પાલિકા તંત્રની મીઠી નજર તળે ચાલતા અનેક નવા બાંધકામો : ટાઉન પ્લાનિંગના નિયમનો રીતસરનો ઉલાળિયો
શહેરમાંથી નીકળતા ગંદા પાણીના વોકળા પર પણ મસમોટા બાંધકામો ખડકી દેવાયા
જેતપુર શહેરમાં પ્રવર્તમાન સમયમાં નાના-મોટા અનેક ભૂમાફિયાઓએ જેતપુર શહેરને
રીતસરનો અજગર ભરડો લઇ લીધો હોય તેમ ઠેકઠેકાણે અનેક નવા બાંધકામો આકાર લઈ રહ્યા છે. પાલિકા તંત્રની મીઠી નજર તળે ચાલતા આવા બાંધકામો અટકાવવા માટે લેશમાત્ર પ્રયાસ કરાતો નથી. પાલિકા સૂત્રોને ફરિયાદ કરવામાં આવે અથવા તો આવા ગેરકાયદેસર બાંધકામો બાબતે જાણ કરવામાં આવે તો “અમોને કોઈ ફરિયાદ મળી નથી” તેવી કેસેટ વગાડીને કામગીરી કરતા હોવાનો દાવો વ્યક્ત કરે છે.
 ખરેખર જાણકાર લોકો કહે છે કે જેતપુર નવાગઢ નગર પાલિકાના લાગતા-વળગતા સત્તાધીશોએ આવા ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ રચી લીધી છે. તેમજ ગમે તે જગ્યાએ ગમે તેવા બાંધકામ માટે આર્થિક વ્યવહારો કરીને બાંધકામની મંજૂરી આપી દેતાં હોય છે. ત્યારે લાગતા વળગતા ઉચ્ચ સરકારી તંત્રે જેતપુરમાં આવીને આવા બેરોકટોક થતા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરવી જોઇએ તેવુ જાગૃત લોકો કહે છે.
જાણકારો કહે છે કે જેતપુર શહેરમાં જૂના મકાનો કે બાંધકામો પાડીને નવા આલીશાન બાંધકામો ખડકવામાં આવી રહ્યા છે. બાંધકામ કરતી સમયે જરૂરી ટાઉન પ્લાનિંગના નિયમોને અવગણીને જોકે લાગતા વળગતા સત્તાધીશોને સાધીને ભુમાફિયાઓ સરકારી નિયમો વિરુદ્ધ બાંધકામો ઉભા કરી રહ્યા છે.
 જેતપુર નવાગઢ નગર પાલિકાના સત્તાવાળાઓ આ બધું મૂંગા મોઢે જોયા કરે છે મતલબ કે સત્તાવાળાઓની સાંઠગાંઠ વગર આવી રીતે જેતપુર શહેરમાં ગેરકાયદેસર બાંધકામો કોઈ દિવસ ઊભા ન કરી શકાય તેવું જાગૃત લોકોનું માનવું છે.
બોક્સ : ટીપીના નિયમોને અભેરાઈએ ચડાવાયા
જેતપુર :  અમારા ગ્રુપ ને સૂત્રોએ ત્યાં સુધી કહ્યું કે નવા રહેણાક અને કોમર્શિયલ બાંધકામોમાં ટાઉન પ્લાનિંગના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાય છે. શહેરમાં બની રહેલા શોપિંગ મોલ તેમજ દુકાનોમાં પાર્કિંગની જગ્યા તેમજ બાથરૂમ ટોયલેટ વગેરે સુવિધા ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવી રહ્યા છે
નવા શોપિંગ મોલો બનતા હોય છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા આપવામાં નથી આવી પરિણામે  આગામી સમયમાં ટ્રાફિક સમસ્યા વધુ વકરે તો જવાબદારી કોની ? તેવા જાગૃતોમાં સવાલો ઉઠ્યા છે. કેટલાક બાંધકામો એવા છે જે નિયમ વિરુદ્ધ બાંધકામોમાં નકશો જે દર્શાવ્યો હોય તેને બદલે નકશાની વિરોધમાં બાંધકામની યેન કેન પ્રકારે મંજૂરી મેળવી લેવામાં આવે છે. આ વાત પાછળ સત્તાવાળાઓ ધાર્યું આર્થિક હિત સાધી લેતા હોવાના આક્ષેપો થયા છે.
 : FSIના કાયદાનો ઉલાળિયો ?!
જેતપુર : એફએસઆઈ તેમજ પાર્કિંગની જગ્યામાં અન્ય ગેરકાયદેસર બાંધકામ કરીને વેચી દેવામાં આવતા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. બાંધકામના વર્તમાન નિયમ મુજબ ઓનલાઇન બાંધકામ પ્લાન એફએસઆઇના કાયદા અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે.
: પાલિકા તંત્રનું ભેદી મૌન ?
જેતપુર : નગરપાલિકાને નિયમોનું પાલન નથી કરાવતી તેમજ ચકાસણી કરીને નિયમ વિરુદ્ધ બાંધકામ થયું હોય તો કંપ્લિશન સર્ટી ના આપવું જોઈએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની જોગવાઈ મુજબ બાંધકામોને નિયમિત  કરાવવા જોઈએ અને નગરપાલિકાના ટી.પી વિભાગને કાયદેસરની આવા બેરોકટોક બાંધકામ અને જલ્દીથી નોટિસો આપવી જોઈએ તેવું લોકો કહે છે.
બિલ્ડરો બહુમતીના જોરે મંજૂરી મેળવી આડેધડ બાંધકામ કરી રહ્યા હોય, શહેરી વિકાસ મંત્રીએ જેતપુરમાં ચેકીંગ કરાવીને પ્રજાને ભુમાફિયાઓના અજગર ભરડામાંથી મુક્ત કરવા જોઈએ તેવું શાંતિપ્રિય જનતા ઈચ્છે છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220509-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *