કડક પોલીસ અધિકારી જાડેજાનો બુટલેગરોમાં ગજબનો ખૌફ
જેતપુર શહેરમાં કડક પોલીસ અધિકારી હુકુમતસિંહ જાડેજાની ઇન્ચાર્જ પીઆઈ તરીકે નિમણુક થયા બાદ રાતોરાત દેશી-વિદેશી દારૂના ભાવ આસમાને પહોચી ગયા છે. બુટલેગરો દારૂનો ધંધો બંધ છે, તમારે જોઈતો હોય તો વ્યવસ્થા કરાવી દઈએ તેવું પ્યાસીઓને જણાવીને દારૂના ડબલ પૈસા વસુલતા હોવાની અમારા ગોપનીય સુત્રોમાંથી માહિતી મળી રહી છે.
જાણકારો કહે છે કે જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ધોરાજીના સીપીઆઈ હુકુમતસિંહ જાડેજાને ઇન્ચાર્જ પીઆઈ તરીકે ચાર્જ સોંપાયો છે. દારૂ-જુગારની બદીના કટ્ટર વિરોધી એવા આ પોલીસ અધિકારીનું જેતપુરમાં આગમન થતા જ બુટલેગરો ભોભીતર થવા લાગ્યા છે. પોલીસ સુત્રોમાંથી એવું જાણવા મળે છે કે, આ પોલીસ અધિકારીએ જેતપુરમાં આવતા વેત તમામ દારૂના બુટલેગરોને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ચેતવણી આપી દીધી છે કે શહેરમાં કોઈ પણ ભોગે દારૂ વેચાણ કે જુગારના હાટડા ચલાવશે તો તમામ સામે કાયદાના આકરા પગલા ભરાશે.
પોલીસ અધિકારીની આવી ચેતવણીથી દારૂના બુટલેગરોએ દેશી દારૂની એક કોથળીના રૂ.૨૦માંથી રૂ.૫૦ અને વિદેશી દારૂની રૂ.૭૦૦-૮૦૦ની બોટલના રૂ.૧૫૦૦-૨૦૦૦ કરી નાખ્યા છે. આવડી કીમતે પણ પ્યાસીઓ પોતાની પ્યાસ બુજાવવામાં સફળ રહેતા હોવાથી એક વાત સાબિત થઇ રહી છે કે જેતપુરમાં દારૂનું વેચાણ બંધ નથી થયું પણ દારૂના ભાવમાં બમણો ઉછાળો આવી ગયો છે. આ વાતના જાણકારો અને પ્યાસીઓમાં અચરજ ફેલાયું છે.
……….
બોક્સ: બુટલેગરો આ સમયે કરે છે દારૂની ડીલીવરી !
જેતપુર : જાણકારોએ ત્યાં સુધી કહ્યું કે, જેતપુર શહેરમાં અનેક જગ્યાએ છાપેલા કાટલાં જેવા તેમજ જલ્દી રૂપિયાવાળા થઇ જવા નવા બુટલેગરો દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાઈ ગયા છે. આ તમામ બુટલેગરો સવારે ૪થી ૫ વાગ્યા દરમિયાન, બપોરે ધોમ ધખતા તડકામાં અને રાત્રે પોલીસ થાણામાં રોલકોલ સમયે વિદેશી દારૂની બેફામ હેરાફેરી, ડીલીવરી અને કટિંગ થાય છે. ત્યારે હવે શહેર પોલીસ થાણે હાજર થયેલા નવા પોલીસ અધિકારીએ બુટલેગરોના આવા સમયે થતા કારસ્તાનનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
હરેશ ભાલીયા જેતપુર


