સુરત
રખડતાં ઢોરોના ત્રાસ મુદ્દે હાઇકોર્ટે હુકમ કરતાં જ પાલિકા હરકતમાં આવ્યું છે. અને કતારગામ પાલિકા ઝોને માર્કેટ વિભાગ, હેલ્થ વિભાગ, દબાણ ખાતું, એસઆરપી, પોલીસ મળી કુલ ૧૨૫ની ટીમ સાથે ગેરકાયદે તબેલાઓ દૂર કરવા અને રખડતાં ઢોરોને કબજે લેવા માટે સવારથી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આંબાતલાવડી, લંકાવિજય હનુમાન પાસેની સરકારી અને પાલિકાની જગ્યા પર વર્ષો જૂના તબેલાઓને તોડી પડાયા છે, જ્યારે ડભોલીમાં ગેરકાયદે મસમોટા ઢોરવાડ દૂર કરવામાં પાલિકાએ એડીચોટીનું જાેર લગાવવું પડ્યું હતું. પશુપાલકોના ભારે વિરોધ વચ્ચે ઢોરવાડ દૂર કરાવી સરકારી ૫ હજાર ચોરસ ફૂટ જગ્યા નો કબ્જાે મેળવવામાં સફળતા મેળવી છે. વિરોધ નોંધાવનારા ૧૫ને સિંગણપોર પોલીસે ડિટેઇન કર્યા હતાં. કતારગામ ઝોને ત્રણેય જગ્યાએ કરેલી કાર્યવાહીમાં કુલ ૪૦ પશુને ઢોર ડબ્બે પુરી કબ્જે લીધા છે. કેટલાંક ઢોરો પશુપાલકો છોડાવી પણ ગયાં હતાં. આંબાતલાવડીમાં ૩ તબેલા દૂર કરી ૩૦૦ ચો.ફૂટ જગ્યા કબ્જે કરાઈ છે. લંકાવિજય હનુમાન પાળા પર ૭ તબેલા દૂર કરી ૨૦ પશુ કબજે કરાયા હતાં. ડભોલીમાં વર્ષોથી ઢોરવાડ ઉભો કરી પશુપાલકોનો ગેરકાયદે કબજાે હતો ત્યાં કતારગામ ઝોને બપોરે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ પશુપાલકો રોડ પર ઉતરી આવ્યાં હતાં અને બોલાચાલી ધક્કામુક્કી કરી જેસીબી મશીન સામે સુઈ જતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી પરંતુ બંદોબસ્તમાં હાજર સિંગણપોર પોલીસે સમયસૂચકતા દાખવી વિરોધ નોંધાવનાર ૧૩ પુરુષ અને બે મહિલા ને ડિટેઇન કર્યા હતાં. માર્કેટ સુપ્રિટેન્ડન્ટની વર્ષોથી ખાલી જગ્યા થોડા સમય અગાઉ ભરાઈ હતી. ત્યાર બાદ એડીશનલ માર્કેટ સુપ્રિટેન્ડન્ટની જગ્યા અંગે ચાલતી વિચારણા બાદ સ્ટેન્ડીંગની બેઠકમાં એડીશનલ માર્કેટ સુપ્રિટેન્ડન્ટની નવી જગ્યા ઉભી કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. જ્યારે શહેરમાં ભેસ્તાન અને કતારગામ ખાતે જ ઢોર ડબ્બો છે ત્યારે વધુ ઢોર ડબ્બાની જરૂરિયાતને પગલે વધુ ૩ ઢોર ડબ્બા વરિયાવ, ખડસદ અને મોટા વરાછા ખાતે ડબ્બા બનાવવા માટે ગુરુવારે મળેલી સ્થાયી સમિતિમાં ર્નિણય લેવાયો હતો. જાે કે, પોલીસે કુલ ૧૫ને ડિટેઈન કર્યા હતા.


