દાહોદ
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોટા ભાગની તબીબી સારવાર મળી રહી છે. ત્યારે મોટા ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેનો સીધો લાભ જિલ્લાના ગરીબ દર્દીઓને થઇ રહ્યો છે. તેની સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના સીમાવર્તી ગામડાઓના દર્દીઓ પણ અહીં સારવાર અર્થે આવી રહ્યા છે. તેવા સમયે કેટલાક ગંભીર રોગોની સારવાર પણ શક્ય બની રહી છે. એક હિમોફીલીયા નામનો રોગ આવે છે. જેમાં આ રોગના દર્દીને કોઇ પણ જગ્યાએ ઇજા થાય તો તેને લોહી નીકળવાનું બંધ થતું નથી. પરિણામે આ રોગના દર્દી વિકલાંગ થઇ જાય છે. લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા ન થવાને કારણે રક્તસ્ત્રાવ બંધ થતો નથી. આ રોગના દર્દીઓની સારવાર માટે ઇન્જેક્શન આપવા પડે છે, પરંતુ તેના એક ઇન્જેક્શનની કિંમત ૨૦થી ૨૫ હજાર રૂપિયા છે અને તે ગરીબ તેમજ મધ્યમવર્ગીય દર્દીઓને કોઇ પણ રીતે પરવડે તેમ નથી. આ પહેલાં આવા ઇન્જેકશન લેવા દર્દીઓએ વડોદરા અને ત્યારબાદ ગોધરા જવું પડતું હોવાથી સમય અને નાણાંનો વ્યય પણ થતો હતો. આ બાબત સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોરના ધ્યાને આવતા તેઓએ રાજ્યકક્ષાએ લેખિત તેમજ મોખિક રજૂઆતો કરી હતી અને ગરીબ આદિવાસીઓના જિલ્લાની હોસ્પિટલમાં આ સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા હતા. જેથી રાજ્ય સરકાર દ્વારા આ ઇન્જેક્શન દાહોદની ઝાયડસ મેડીકલ હોસ્પિટલમાં આપવાની શરૂઆત થઇ છે. સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે દર્દીઓને આ ઇન્જેક્શન આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝાયડસના સી.ઓ.ઓ ડો.સંજય કુમાર, સિવિલ સર્જન ડો. સંધ્યા જાેષી, સુપ્રિટેન્ડેન્ટ ડો. ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એડમિનિસ્ટ્રેટર વિશાલ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ હિમોફીલીયાના ૭૫ જેટલા દર્દીઓ નોંધાયેલા હોવાનું સીઓઓએ જણાવ્યું હતું. ત્યારે સાંસદે જણાવ્યું હતું કે ગરીબોને દરેક પાયાની સુવિધા ઉપલ્બ્ધ કરાવવી તે જન પ્રતિનિધિની નૈતિક ફરજ છે.દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં વધુ એક સુવિધાનો શુભારંભ થયો છે. જેમાં આ દવાખાનામાં હવે હિમોફીલીયાના ઇન્જેક્શન પણ નિઃશુલ્ક આપવામાં આવશે. સાંસદના પ્રયત્નોથી આ સારવાર શક્ય બની છે, ત્યારે તેમના જ હસ્તે તેનો આરંભ પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તબીબી જગતના અધિકારીઓ તેમજ દર્દીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
