નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે અશ્વિની નદી પરના વર્ષો જૂના ડીપ પરથી વિસ્તારના લોકો સેંગપુર જવા આવવા માટે ઉપયોગ કરતા હતા. ભારે વરસાદ વચ્ચે ડીપ પર પાણી ફરી વળતાં લોકોની સમસ્યા બેવડાઈ જતી હતી. આ અંગે સ્થાનિક ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીની રજૂઆતના પગલે સરકારશ્રીમાંથી વર્ષ ૨૦૨૦માં નવો પુલ બનાવવા માટે રૂા. ૫.૧૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બ્રિજનું જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. બ્રિજની સગવડથી વિસ્તારની ૬ હજારથી વધુ જનતાને ચોમાસામાં અવર-જવર માટે મોટો લાભ થશે અને વર્ષો જૂની સમસ્યામાંથી બહાર આવશે. પંથકની પ્રજામાં બ્રીજનું લોકાર્પણ થતા વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતાં હર્ષ સાથે આનંદનું મોજું ફરી વળ્યું હતું. બ્રિજના લોકાર્પણ સાથે ગઢબોરીયાદ ગામે પશુદવાખાનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે કરોડો રૂપિયાના માર્ગોના કામો જે હાલ ચાલી રહ્યા છે. તે લોકોની સમસ્યાના ઉકેલ હેતુ સત્વરે પૂર્ણ કરવાની મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ મુજબ બાળાઓએ મંત્રીશ્રી અને સાથે રહેલા પદાધિકારીઓને કંકુ-તિલક કરીને આવકાર્યા હતા. આ પછી કાર્યક્રમની દીપ પ્રાગટય સાથે વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.
અધ્યક્ષીય પ્રવચન કરતા પ્રભારી મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોને વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અંતરિયાળ વિસ્તારની ભોળી આદિવાસી પ્રજાની ચિંતા કરીને દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ “વનબંધુ કલ્યાણ યોજના” શરૂ કરી હતી. જેનાથી આદિવાસી સમાજની સમસ્યાઓનો ઉકેલ આણવાનું મોટું બીડું ઝડપ્યુ હતું. ૧૫ હજાર કરોડથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના આજે તેના બીજા ફેજમાં ૧ લાખ કરોડનું કદ વટાવી ચૂકી છે. આ સરકારની એક વિશેષ ખૂબી એ રહી છે કે જે કામોનું ખાતમુહૂર્ત સરકારમાં કરવામાં આવ્યું તે કામોનું લોકાર્પણ પણ આ જ સરકારના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પ્રાસંગિક પ્રવચન આપતા સ્થાનિક ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ વિસ્તારમાં કરવામાં આવેલા કરોડો રૂપિયાના રસ્તાઓની વિગતો રજુ કરવા સાથે વિસ્તારમાં વિકાસની જ્યોત જલાવવા માટે સમગ્ર વિસ્તાર વતી પ્રભારીમંત્રીશ્રી સહિત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ કાર્યક્રમને અનુરૂપ સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
કાર્યક્રમના અંતે રીબીન કાપીને બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં બોડેલી પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી સુરેન્દ્રભાઈ ચૌધરી, વિનુભાઈ ભીલ, અનિલભાઈ શાહ સહિત સંખેડા નસવાડી અને બોડેલી તાલુકાના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


