Gujarat

નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે  – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર.મકસુદ કારીગર
મુખ્યમંત્રીના હસ્તે મહુધા, મહેમદાવાદ અને ખેડા તાલુકાના રૂપિયા ૨૧.૪૭ કરોડના વિકાસ કાર્યોનું ઈ – ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહુધા ખાતે અંદાજિત રૂપિયા ૨૧.૪૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ – ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે, વિકાસમાં નાણાંકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો ગુજરાતમાં છે. નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે.
વિકાસની રાજનીતિના વિઝનરી લીડર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ આપેલી વિકાસની પરિભાષાને આત્મનિર્ભર ગુજરાતના માધ્યમથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા સરકાર પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નાના – નાના ગામો હોય, શહેરો હોય કે વિસ્તારો હોય તમામ ક્ષેત્રો સુધી વિકાસ પહોંચ્યો છે. વિકાસના મજબૂત પાયા ઉપર ગુજરાત સર્વગ્રાહી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહે તે દિશામાં કાર્ય થઇ રહ્યું છે.
રાજ્યમાં થયેલા છેલ્લા બે દાયકાના વિકાસને આલેખતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રસ્તા, વીજળી, પાણી, કૃષિ, શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. બે દાયકા પહેલા ગુજરાતમાં ધાન્ય પાકોનું ઉત્પાદન ૨૩.૪૮ લાખ મેટ્રિક ટન હતું જે આજે ૮૩.૨૫ લાખ મેટ્રિક ટને પહોંચ્યું છે. તેવી જ રીતે બાગાયતી પાકોનું ઉત્પાદન ૬૨ લાખ મેટ્રિક ટનમાંથી આજે ૨૫૦ લાખ મેટ્રિક ટન થયું છે. શિક્ષણમાં પણ બે દાયકા પહેલા ડ્રોપઆઉટ  રેટ ૩૭ ટકા હતો તે ઘટીને આજે બે થી ત્રણ ટકા થયો છે. ઔદ્યોગિક ઉત્પાદન ૧.૨૭ લાખ કરોડ હતું, જે આજે ૧૬ લાખ કરોડ એ પહોંચ્યું છે. ગુજરાતમાં વિકાસની આ પરિભાષા રહી છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, ડૉ. આંબેડકર આવાસ યોજના, દુધઘર બાંધકામ સહાય યોજના, એન.આર.એલ. એમ (સી.આઇ.એફ) અને જી.યુ.એલ.એમ. સહિતની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ, પ્રમાણપત્ર, આવાસની ચાવી તેમજ સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોએ બાવીસ ગામ પાટીદાર સમાજ વાડી પરીસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું વિવિધ મહાનુભાવો, સંસ્થા, સમાજ – સંગઠનોએ સ્વાગત કર્યું હતું.
પ્રારંભમાં નડિયાદના પ્રાંત અધિકારી જે. એમ. ભોરણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.કે.દવે, માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર, અગ્રણી વિપુલભાઈ પટેલ, અગ્રણીઓ, તાલુકા – જિલ્લા પંચાયતના સદસ્યો, યોજનાના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

1-13.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *