શહેરા
મહીસાગરના લુણાવાડા તાલુકાના શીંગનલી ગામના અને બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે સ્થાયી થયેલા કાળાભાઈ હરિભાઈના પુત્ર સંજયના લગ્ન ૫ વર્ષ પહેલા શહેરા તાલુકાના કવાલી ગામના ઉદાભાઈ દાજીભાઈની પુત્રી સાથે સામાજિક રીતોરિવાજ મુજબ થયા હતા. ૧૬ એપ્રિલના બનાવના દિવસે ફરિયાદી જયંતીભાઈ સોલંકી પર તેઓની ભત્રીજીનો ફોન આવ્યો હતો કે સંજય તેની પત્ની મનીષા કે જે છેલ્લા ૩ માસ અગાઉ રિસાઈને પિયર ચાલી ગઈ છે. તેને લેવા માટે ગયો હતો જ્યાં તેને પેટ્રોલ નાંખી સળગાવી દીધો હોવાનું જણાવ્યું હતું. બાદ સંજયને તેની પત્ની, સાસુ, સસરા, કાકા સસરા, સાળાઓ શહેરા સરકારી દવાખાને અને ત્યાંથી ગોધરા અને પછી વડોદરા સરકારી દવાખાને લઈ ગયા છે અને અમે પણ વડોદરા આવેલા છે. જાે કે કોઈ સુધારો ન જણાતા વડોદરાથી સંજયને અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદીએ ૧૭ એપ્રિલના રોજ સંજય સાથે વાત કરતા સંજયે જણાવ્યું હતું કે પોતાની પત્નીને સાસરીમાં લેવા આવ્યો છું તેની સાસરિવાળાને જણાવતા તેના સાસુ, સસરા, કાકા સસરા અને સાળાઓએ તું દારૂ પીવે છે એટલે અમારી છોકરી તને તેડી આપવાની નથી આવું કહી ઉશ્કેરાઈને ગાડીમાંથી પેટ્રોલ કાઢી તે છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. શહેરા પોલીસ દ્વારા ૧૬ એપ્રિલના રોજ સંજયની પત્ની મનીષા, સાસુ જસીબેન ઉદાભાઈ વાલ્મીકિ, સસરા ઉદાભાઈ દાજીભાઈ વાલ્મિકી, કાકા સસરા ગણપતભાઈ દાજીભાઈ વાલ્મિકી, સાળાઓ સુનિલ ઉદાભાઈ, અશ્વિન ઉદાભાઈ વિરુદ્ધ જયંતીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સોમવારના રોજ સંજયનું અમદાવાદ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
