Gujarat

પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ ભક્તિની શરૂઆત થાય છે.

સદગુરૂ પાસેથી નિરાકાર પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ ભક્તિની શરૂઆત થાય છે. મિશનની માન્યતા છે કે બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નથી પરંતુ સાધન છે.સાધારણ રીતે ભક્તિ ભગવાનને મેળવવા માટે કરવામાં આવે છે જ્યારે સંત નિરંકારી મિશન સનાતન સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે કે પહેલાં ભગવાનને જાણ્યા પછી જ ભક્તિ થઇ શકે છે.ભગવાનને જાણ્યા પછી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.દરેક પ્રાણીઓમાં સર્વવ્યાપી પરમાત્માનો અનુભવ કરીને જ દ્વેતની ભાવના દૂર થાય છે. પોતાપણાનો ભાવ જાગે છે, બધાની સેવાચાકરી માટે પ્રેરણા મળે છે, સર્વશક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા પછી જ અહંભાવ દૂર થાય છે, દાસભાવના આવે છે, નમ્રતા જીવનનું અંગ બને છે.પ્રભુની જાણકારી કર્યા પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.

કર્મકાંડને ભુલથી ધાર્મિક માનવાથી જ સભ્યતાઓ બનતાં જુદા જુદા ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે. જો કે ધર્મ આધ્યાત્મિકતા ધારણ કરવાની પવિત્ર ભાવના છે.ધર્મ ઉત્તમ કર્મ અને પાવન ભક્તિની પ્રેરણા છે.પ્રેમ-નમ્રતા અને સહનશીલતા જેવા દૈવી ગુણોનો સ્ત્રોત છે.ધર્મ માનવને તેના અસલ સ્વરૂપની ઓળખાણ કરાવી બ્રહ્મ અને પ્રકૃતિનું જ્ઞાન આપે છે.માનવ પ્રકૃતિના સ્વાભાવિક ગુણ-દોષથી ઉપર ઉઠીને બ્રહ્મમયી જગતની એકરૂપ્તાને અપનાવે છે.એક પ્રભુ પરમાત્માને જાણવો,તેને માનવો અને તેની સાથે એક થઇ જવું એ જ વાસ્તવિક ધર્મ છે.સંત નિરંકારી મિશનનો વિશ્વાસ છે કે ધર્મ જુદી જુદી સભ્યતાઓ,સંસ્કૃતિઓ,માન્યતાઓને એકસૂત્રમાં પરોવીને માનવનું ગુચ્છ બનાવે છે એટલે કે ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નથી હોતું.

જો માનવ ધર્મની આ વાસ્તવિકતાને સમજી જાય અને મૂળ પ્રભુ પરમાત્મા પરબ્રહ્મને જાણીને તેની ભક્તિ કરે, એક પ્રભુ પરમાત્મા સાથે જોડાઇ જાય તો એકતા આપોઆપ આવી જાય છે.પરમપિતા પરમાત્માની જાણકારી સહજમાં જ આપણને ભાઇ-ભાઇ બનાવે છે.મતભેદ સમાપ્ત થઇ જાય છે.નફરત દૂર થાય છે.દ્વેષની જગ્યા પ્રેમ લઇ લે છે.એક પરમાત્માની ઓળખાણ કરવી તે સિવાય વિશ્વભાઇચારાનું બીજું કોઇ સાધન નથી.આજે સંત નિરંકારી મિશન આ સિદ્ધાંત થકી એકતા અને ભાઇચારાની ભાવના સ્થાપિત કરી રહ્યું છે.

વિશ્વભાઇચારાની આ ભાવના માનવ સમાજ માટે જે ભલાઇના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમાં થતી સંઘર્ષની સંભાવનાને દૂર કરે છે.જે માનવસમાજને ઉન્નતિ તરફ લઇ જાય છે તે દરેક પ્રયાસ સહજ સ્વીકારવા યોગ્ય છે.વૈજ્ઞાનિક ઉન્નતિને કોઇ પ્રકારે વાંધો નથી પણ તેની સાથે આધ્યાત્મિક ઉન્નતિને અનિવાર્ય માનવું જોઇએ.

એક પ્રભુ પરમાત્મા જેન રામ,અલ્લાહ ર્ગાડ કે વાહેગુરૂ..કોઇપણ નામથી પોકારવામાં આવે તે એક જ છે અને આ એકને સાકાર સદગુરૂની કૃપાથી જાણી શકાય છે.સર્વધર્મ સમભાવની ભાવનાને સાકારરૂપ આપવા માટે સંત નિરંકારી મિશને સાંસારીક જીવન સબંધિત પાંચ નિયમ બનાવ્યા છે.આ નિયમોને જીવનમાં કર્મરૂપ આપવાથી કલ્યાણ થાય છે.

તન મન ધન પરમાત્માનું છે તેને પરમાત્માનું જ માનીને તેનું અભિમાન કરવું નહી.. નાત-જાત, વર્ણ-આશ્રમનું અભિમાન કરવું નહી.માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવો.. કોઇ બીજાના ખાનપાન કે પહેરવેશની નિંદા નફરત કે તિરસ્કાર કરવો નહી.. ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર બનવું નહી.પોતાની મહેનતની કમાણીથી મર્યાદાપૂર્વક ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવાનો છે.. સદગુરૂ દ્વારા આપવામાં આવતા જ્ઞાનને સદગુરૂની આજ્ઞા વિના કોઇને બતાવવું નહી,પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે.

સંત નિરંકારી મિશનનો સિદ્ધાંત છે કે એક પ્રભુ પરમાત્માને જાણવા(બ્રહ્મજ્ઞાન), એકને માનવા(પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ) અને એક બની જવું(એકત્વ-વસુધૈવ કુટુંમ્બકમ) એ જ ભક્તિનું વાસ્તવિક મૂળ છે.પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહંભાવ દૂર થાય છે,સમગ્ર માનવતા પ્રત્યે દાસભાવના જન્મ લે છે અને નમ્રતા જીવનનું અંગ બને છે.

નિરાકાર પ્રભુ પરમાત્મા સર્વશક્તિમાન,સર્વજ્ઞ,સર્વવ્યાપક એવી પરમ સત્તા છે જે નિર્ગુણ અનંત અવિનાશી અજર અમર શાંત નિર્વિકાર નિર્લેપ અને એકરસ છે, જેનો કોઇ રંગ-રૂપ કે આકાર નથી.સંત નિરંકારી મિશન આ પરમ અસ્તિત્વની દિવ્ય અનુભૂતિ કરાવીને માનવજીવનને સમર્પિત ભક્તિમાર્ગ તરફ આગળ લઇ જાય છે.

સદગુરૂ બે શબ્દોની સંધિ છેઃસદ+ગુરૂ. સદનો અર્થ થાય છે શ્રેષ્ઠ અથવા સત્ય અને ગુરૂનો અર્થ થાય છે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવનાર વિભૂતિ. સદગુરૂ નિરાકાર બ્રહ્મનું જ સાકાર સ્વરૂપ હોય છે જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.પરમપિતા પરમાત્મા પરમ સત્ય નિરાકાર પરબ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.સદગુરૂ માનવમાત્રના માટે અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવમાત્રનો ઉદ્ધાર કરે છે.

પરમ સત્ય પરમાત્માના જ્ઞાતા મહાપુરૂષોનો સંગ કરવો તેને સત્સંગ કહે છે.પ્રેમ નમ્રતા સમદ્રષ્ટિ સત્કાર વિશ્વાસ અને ભાઇચારાની ભાવના જેવા દૈવી ગુણો આત્મસાત કરવા સત્સંગ જરૂરી છે.માનવીય ગુણો અપનાવવા અને જીવનને સદાચાર યુક્ત બનાવવા સત્સંગ જરૂરી છે.

નિરાકાર પરબ્રહ્મ પરમાત્માને જાણીને શ્વાસે શ્વાસે પરમાત્માને યાદ કરવા તેને સુમિરણ કહેવામાં આવે છે.માનવમાત્રના કલ્યાણ માટે નિસ્વાર્થ અને નિરઇચ્છીત ભાવથી માનવમાત્રની સેવા કરવી એ જ માનવજીવનનું પરમ લક્ષ્ય અને ઉત્તમ દૈવીય કર્મ છે.

ધર્મ શબ્દ સંસ્કૃત ધૃ ધાતુથી બનેલ છે તેનો અર્થ ધારણ કરવું એવો થાય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને ધારણ કરીને માનવતા તથા ભક્તિમય જીવન જીવવું તેને ધર્મ કહે છે.તમામ પ્રાણીમાત્ર ઉપર દયા રાખવી,પ્રેમ નમ્રતા સહનશીલતા જેવા દૈવીગુણોનું અનુસરણ કરવું એ ધર્મનું મૂળ છે.

ચરણસ્પર્શની મહત્તાઃ નિરંકારી શ્રદ્ધાળુઓની એકબીજાનું અભિવાદન કરવાની રીત અનોખી છે.તેઓ જ્યારે મળે છે ત્યારે એકબીજાના ચરણસ્પર્શ કરીને ધન નિરંકાર બોલીને પ્રભુ પરમાત્માનો ધન્યવાદ પ્રગટ કરવાના ભાવને અભિવ્યક્ત કરે છે કે ધન્ય છે નિરાકાર પ્રભુ પરમાત્મા.ચરણસ્પર્શ કોઇ વ્યક્તિ વિશેષને કરવામાં આવતા નથી પરંતુ પરમપિતા પરમાત્માના સનાતન અંશ આત્મા કે જે નિજસ્વરૂપ પરમાત્માને ઓળખીને ભક્તિમાં તલ્લીન હોય છે તેમની સમક્ષ થાય છે.જીવનમાં ક્યારેય સૂક્ષ્મ અભિમાન ના આવે, નમ્રતા અને અભિમાન રહિત જીવન બને તથા ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં પ્રભુનો આભાર માનવાનો ભાવ બનેલો રહે તે માટે ચરણસ્પર્શની મહત્તા છે.

(નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના પ્રવચનના આધારે)

Satguru-Mataji.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *