પાટણ
પાટણનાં પી.આઇ.યુ. (હેલ્પ) વિભાગમાં એક્ઝીક્યુટીવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કામેશ કિરીટકુમાર રાવલ રે. સિધ્ધપુરવાળા તેમનાં ડેપ્યુટી એન્જિનિયર પારસભાઇ પટેલ તથા અધિક્ષક મદદનીશ ઇજનેર ગોવિંદભાઇ પટ્ટણી તેમજ ડ્રાઈવર સોમભાઇ દેસાઇ વગેરે હોસ્પિટલનાં જિમ્નેશિયમ બિલ્ડીંગની બહારના ભાગે ઉભા હતા. ત્યારે એક ગાડીમાં આવેલા જીની પટેલ કે જેઓ કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે. તેઓ ત્રણ અજાણ્યા શખ્સો સાથે હાથમાં પાવડા અને લોખંડનો સળીયો લઇને આવ્યાં હતા. કામેશ રાવલનાં આક્ષેપ પ્રમાણે આ લોકોએ ઉશ્કેરાઇને તેમને ધોકાથી અને સળીયાથી માર માર્યો હતો. તેમજ ધમકી આપીને જતા રહ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત કામેશભાઇને ધારપુરની સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. એન્જિનિયર કામેશ રાવલે કોન્ટ્રાક્ટરને અલગ-અલગ કામોને વ્યવસ્થિત કરવાને સમય મર્યાદામાં પુરા કરવા માટે સૂચના આપી હોવાથી તેની દાઝ રાખીને હુમલો કર્યો હતો. આ બનાવ અંગે સામાપક્ષે જીમી પટેલ રે. ચાણસ્માએ પણ કામેશ રાવલ રે. ખિલાતરપાડો, સિધ્ધપુર સામે એવો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી કે, જીમીભાઇએ તેમની ઓફીસનાં માણસ સૌમિલ પટેલને પાટણની ધારપુર મેડીકલ કોલેજમાં આવેલી એક્ઝીક્યુટીવ એન્જિનિયરની ઓફીસમાં બિલ લખાવવા માટે મોકલ્યા હતા ત્યારે એન્જિનિયર કામેશ રાવલે બિલ લખી આપવાની ના પાડી હતી. જેથી જિમીભાઇએ એન્જિનિયરને ફોન કરતાં કામેશભાઇએ જિમીભાઇને રુબરૂ આવવાનું કહેતાં તેઓ પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં કામેશને મળ્યા હતા. ત્યારે કામેશે જિમીભાઇને ‘વહિવટ’ કરવો પડશે તેમ કહેતાં જીમીભાઇએ કહ્યું કે, ‘તમે કેટલાય સમયથી બીલ નથી લખી આપતા’. જેથી કામેશે તેમને કહ્યુ કે, પાંચ ટકા આપવા પડશે. જેને લઈ જીમીભાઇએ કહ્યું કે, ‘તમે બીલ લખી આપો પછી વાત… એમ કહેતાં કામેશે ઉશ્કેરાઇ જઇને ગાળો બોલી હતી. જે બાદ લોખંડના સળીયાથી જીમીભાઇને આડેધડ મારતાં ઇજા થઇ હતી. આ દરમિયાન ઓફીસનાં લોકો ભેગા થઇ જતાં તેમને છોડાવ્યાં હતા. તેમને વધારે માર મારશે તેવી બીકથી જીમીભાઇએ ત્યાંથી નિકળીને ચાણસ્મા દવાખાને પ્રાથમિક સારવાર લીધી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.પાટણ તાલુકાના ધારપુર ગામે આવેલી સિવિલ હોસ્પીટલનાં કમ્પાઉન્ડમાં એન્જિનિયરે કોન્ટ્રાક્ટરને કામગીરી યોગ્ય રીતે કરવા બાબતે સૂચના આપી હતી. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં ઇજાઓ પણ પહોંચી હતી. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.


