પાટણ
આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિની ઉજવણી પાટણમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ-ભાજપ, આમ આદમી પાર્ટી, ભારત વિકાસ પરિષદ સહિતના અનુસૂચિત જાતિ સમાજનાં વિવિધ સંગઠનો અને પક્ષોના હોદ્દેદારોએ બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાય તેમજ આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારાઓ લગાવ્યા હતા. ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે શહેર-જિલ્લામાં વ્યાપ્ત વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં બગવાડા દરવાજા પાસે ઉમટી પડ્યા હતા. તેમજ બાબસાહેબ આંબેડકરની મૂર્તિને ફૂલહાર અર્પણ કર્યા હતા. શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શૈલેષ પટેલ, જયેશ ભાઈ પટેલ, મનોજ પટેલ, હેમંત તન્ના, ગૌરવ મોદી, કોર્પોરેટર તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર કાૅંગ્રેસ દ્વારા ૧૪મી એપ્રિલ અને ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા, અશ્વિન પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ અને ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સભ્યો દ્વારા બાબા સાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરાયા હતા.


