પાવી જેતપુર નગરના હરીજન વાસ પાસે ખુલ્લી ગટરનું કામ અધૂરું રહેતા જાગૃત નાગરીક દ્વારા ભૂખ હડતાળ કરવા મંજૂરી મંગાઈ
વાલ્મીકિ સમાજના લોકો ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં હોય તેઓ રજૂઆત કરી શકતા નથી તેમ આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે
પાવી જેતપુર નગરના હરીજન વાસમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે જેને લઈને સ્થાનીક લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી છે, જેને લઈને ગામના આગેવાને ગટરનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી વડાપ્રધાન સહિત વહીવટીતંત્ર પાસે માંગી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી હરીજન વાસમાં ગટરનું કામ અધૂરું રાખવામા આવ્યું છે. ગામના વાલ્મીકિ સમાજના લોકો ગામની ગટર સાફ કરે છે, પરંતુ તેઓને વહીવટી તંત્રની અનદેખીના કારણે ગંદકીમાં રહેવાનો વારો આવ્યો છે. અગાઉ પણ ગામના જાગૃત નાગરીક દ્વારા આ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો ત્યારે તત્કાલીન જીલ્લા વિકાસ અધીકારી દ્વારા ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા વાલ્મીકિ સમાજની સમસ્યાનો ઉકેલવાની તસ્દી સુધ્ધાં લીધી નથી અને આજે બે વર્ષના વ્હાના વીતવા છતાય વાલ્મિકી સમાજના લોકો ગંદકીમાં રહેવા મજબૂર બની ગયા છે.
જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ સમાજના લોકો ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં હોય તેઓ રજૂઆત કરી શકતા નથી, જેને લઈને ગામના જાગૃત નાગરીક દ્વારા વારંવાર ગ્રામ પંચાયત, કલેક્ટર, તત્કાલિન નાયબ મુખ્યમંત્રી, કાર્યપાલક ઇજનેરને લેખીતમાં રજૂઆત કરી છે. પરંતુ પરીણામ ન મળતા કંટાળીને ગામના નાગરિકે વડાપ્રધાનને ટ્વીટ કરીને તેમજ જીલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરીને ગટરનું કામા તાત્કાલિક ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગે ભૂખ હડતાળ કરવાની મંજૂરી માંગતા ખળભળાટ મચી ગયો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


