વડોદરા
રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના સક્રમિત થયા છે. તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને ક્વોરન્ટીન થયા છે. રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના સંપર્કમાં આવનાર લોકોને કાળજી લેવાની અપીલ કરી છે. બીજી તરફ આજે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઇ રહેલા ૩ લોકોના મોત થયા છે. આ ઉપરાંત શહેરમાં વધી રહેલા સંક્રમણને કારણે શુક્રવારી બજારને અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૩૦૯૪ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૮૯,૪૪૦ ઉપર પહોંચી ગઇ છે. ગુરૂવારે વધુ ૧૦૮૪ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૭,૨૮૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૪ દર્દીના મોત થયા છે. વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોન હોટસ્પોટ બન્યા છે. ગુરૂવારે પશ્ચિમ ઝોનમાં ૮૩૨ અને દક્ષિણ ઝોનમાં ૮૧૧ કેસ નોંધાયા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં ગુરૂવારે ૧૧,૬૨૩ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૬.૬૧ ટકા પોઝિટિવિટી રેટ સાથે ૩૦૯૪ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૯ જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ ૩.૯૬ ટકા હતો, જે ૧૧ દિવસ બાદ ૨૦ જાન્યુઆરીએ ૬ ગણો વધીને ૨૬.૬૧ ટકા ઉપર પહોંચી ગયો છે.


