કિશોરીઓને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
માંગરોળ શહેર, આરેણા અને વંથલીના ધણફુલિયા ગામની ૩૦૩ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી જાગૃતિ માટે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી જાગૃતિ તાલીમનું આયોજન માંગરોળ શહેર, આરેણા અને વંથલી તાલુકાના ધણફુલિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં કોઇ પણ પરિવાર કે કુટુંબમાં દિકરીઓ કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેમના શારીરિક-માનસિક બદલાવ આવે છે અને આ શારીરિક-માનસિક ફેરફારો અંગે ખુલ્લીને પરિવારમાં ચર્ચા કરી શકતા નથી. જેમાનો એક મુદ્દો સંવેદનશીલ છે. તે માસિકધર્મ વિશેની જાણકારી દિકરીઓને માસિકધર્મ દરમિયાન સ્વચ્છતા અને તકેદારી અંગેનું યોગ્ય માર્ગદર્શન તથા કિશોરીના શરીરમાં થતા શારીરિક-માનસિક ફેરફારથી પરિચિત થાય તે માટે દિકરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી અંગેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત માસિકધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા અને ખોરાક અંગે પણ કિશોરીઓને સમજ આપવામાં આવી હતી. સાથો સાથ મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સહભાગી થયેલ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી કીટ, નાસ્તો, માસિક સ્વાસ્થ્ય જાળવણીની બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
