આણંદ
આણંદના મોગર ગામે આવેલી ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડે જ પૂર્વ મેનેજર સાથે સાંઠગાંઠ કરી થ્રી વ્હીલ ટેમ્પીમાં ફાયબર ગ્લાસના રો મટિરીયલના રોવીંગ રોલની ચોરી કરી હતી. આ અંગે વાસદ પોલીસે સિક્યુરીટી ગાર્ડ અને પૂર્વ મેનેજર સામે ગુનો નોંધ્યો હતો. મોગર ગામે આવેલી ગ્રાફીન કમ્પોઝીટર કંપનીમાં વ્રજ સિક્યુરીટીના કોન્ટ્રાક્ટથી બે ગાર્ડ મુકવામાં આવ્યાં છે. જેમાં દિવસે મહાવીર નાનુભાઈ પઢીયાર (રહે. બોદાલ) તથા રાત્રિના કંચન સોલંકી નોકરી કરે છે. દરમિયાનમાં આઠેક માસ પહેલા તત્કાલીન મેનેજર નીતિન પરમારની નોકરી દરમિયાન ચોરીના બનાવની શંકા માલિક સંજયભાઈ શાહને જાગી હતી. આ દરમિયાનમાં સંજયભાઈ દશેરા તહેવારની રજા હોવાથી પુજા માટે કંપનીમાં આવ્યાં હતાં. તે સમયે ફાયબર ગ્લાસનું રો મટીરિયલ કિંમત રૂ. ૭૦ હજાર એક થ્રી વ્હીલ ટેમ્પા નં.જીજે ૨૩ એયુ ૫૪૭૧માં ભરેલું હતું. જેથી તેમને આ માલ ચોરી થતો હોવાનો શક જતાં ફોન કરીને કંપની ઉપર મેનેજર નરેશ પરમારને બોલાવ્યો હતો. સંજયભાઈ અને નરેશે થ્રી વ્હીલ ટેમ્પામાં ભરેલા માલ બાબતે તપાસ કરતાં આ પ્રકારનો માલ કોઇને સપ્લાય કે ઓર્ડર આપેલો ન હોવાથી ટેમ્પાના ચાલકની પુછપરછ કરી હતી. જેમાં તેણે સિક્યુરીટી મહાવીર નાનુ પઢીયારે માલ ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ મેનેજર નીતીન પરમાર (રહે. વિદ્યાનગર)ના કહેવાથી ચોરી કરી લઇ જતા હોવાનું બહાર આવ્યું હતું. આથી, નીતિન અને મહાવીર મિલિભગત કરી ચોરી કરતાં હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે નરેશ પરમારે વાસદ પોલીસ મથકે મહાવીર નાનુ પઢીયાર અને નીતીન પરમાર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


