રાજકોટ
ગાંધીના ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક દારૂ પકડાતો જ હોય છે ત્યારે રાજકોટ શહેરમાં કારખાનાની આડમાં ચાલતા દારૂના વેચાણ પર યુનિવર્સિટી પોલીસે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી બાપાસીતારામ સોસાયટી ખાતે ઉમા બોટલિંગના કારખાનામાંથી યુનિવર્સિટી પોલીસે વિદેશી દારૂની ૧૨૦ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અભય કનેરિયાની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની ૪૦,૮૦૦ કિંમતની ૧૨૦ નંગ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી ફરાર આરોપી હરપાલસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરાર આરોપી હરપાલસિંહ જાડેજા અગાઉ પણ બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે પકડાયેલ આરોપી અભય પણ મહિલા પોલીસ સ્ટેશનના ખાતે શારીરિક-માનસિક ત્રાસ આપવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓસમાણ ખેભર યાજ્ઞિક રોડ પરથી પસાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ ૩૮૬, ૫૦૬(૨) ૧૭૦ અને ૧૧૪ના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
