Gujarat

રાજકોટમાં હવે પાણી વેડફશો કે ચોરશો તો દંડ થશે

રાજકોટ
રાજકોટ શહેરના જળસ્ત્રોતોમાં પાણી પુરવઠાની ઉપલબ્ધિ મર્યાદિત પ્રમાણમાં છે. આથી ભૂતિયા કનેક્શન, ડાયરેક્ટ પમ્પિંગથી પાણીચોરી અટકાવવી અનિવાર્ય છે. આ માટે તમામ ૧૮ વોર્ડમાં ઘરે ઘરે સઘન ચેકિંગ ઝુંબેશ કરવામાં આવશે. ત્રણેય ઝોનમાં ૧૨૩ જેટલા અધિકારીઓએ ત્રણ આસિસ્ટન્ટ કમિશનરને દૈનિક રિપોર્ટિંગ કરવાનું છે. જેમાં વેસ્ટ ઝોનમાં એસ.જે. ધડુક, સેન્ટ્રલમાં એચ.આર.પટેલ અને ઇસ્ટમાં વી.એસ. પ્રજાપતિનો સમાવેશ થાય છે. ૧૮ વોર્ડમાં વોર્ડ એન્જિનિયર, આસિસ્ટન્ટ મેનેજર, એટીપી, વોર્ડ ઓફિસર, અધિક મદદનીશ ઇજનેર, વર્ક આસિસ્ટન્ટ અને એસઆઇને ટીમમાં લેવામાં આવ્યા છે. દરેક ટીમમાં વોર્ડ એન્જિનિયર પાણીચોરી પકડવાની ટીમના લીડર રહેશે. આ વ્યવસ્થા સાથેનું ચેકિંગ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. હુકમમાં પાણીચોરી કરનારા સામે કડક પગલાની સૂચના અપાઇ છે. ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં આસામીઓની મોટર જપ્ત કરીને રૂ.૨ હજાર દંડ લેવાશે. ચાર દિવસમાં દંડ ન ભરે તો નળ કનેક્શન કપાશે. કોઇપણ આસામી બીજી વખત ડાયરેક્ટ પમ્પિંગ કરતા પકડાઇ તો જપ્ત કરાયેલી ઇલેક્ટિ્‌ર્ક મોટર પરત નહીં અપાય અને આવા આસામીઓનું નળ કનેક્શન કાપી નાખવામાં આવશે. સાથોસાથ ભૂતિયા નળ ફરજિયાત રેગ્યુલર કરાવવાના રહેશે. બીજી વખત પકડાયેલા ગેરકાયદે નળ કનેક્શનના કિસ્સામાં રૂ. ૫ હજારનો વહીવટી ચાર્જ વસુલી આસામી સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અને પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. સાથોસાથ દુષિત પાણીની ફરિયાદ દૂર થાય તે માટે ટીમે ક્લોરોસ્કોપ સાથે રાખી ગુણવત્તાની ચકાસણી સમાંતર કરવાની રહેશે. રાજકોટમાં ફળિયા ધોવા, વાહન સાફ કરવા કે ઉનાળામાં શેરીઓમાં પણ પાઇપ વડે પાણીનો બગાડ ઘણા આસામીઓ કરતા રહે છે. આવા આસામીઓને સ્થળ પર જ રૂ.૨૫૦નો દંડ કરવામાં આવશે. જાે બીજી વખત એક ને એક આસામી પાણીનો બગાડ કરતા માલુમ પડશે તો આવા આસામીનું નળ કનેક્શન કાપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.રાજકોટના આજી અને ન્યારી ડેમ સૌની યોજના હેઠળ ચોમાસાની જેમ ભરેલા છે. આગામી વરસાદ સુધીનું પાણી રાજ્ય સરકારે ઠાલવી દીધું છે. રાજકોટને રોજ પાણી વિતરણ માટે ચિંતાની કોઇ જરૂર નથી પરંતુ ઉપલબ્ધ જળજથ્થો બચાવવાની જરૂર અને જવાબદારી સમજીને કમિશનર અમિત અરોરાએ તમામ વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકિંગ શરૂ કરાવ્યું છે. તેના ભાગરૂપે દરેક વોર્ડમાં એક એક ટીમ લીડરની આગેવાનીમાં ૭-૭ અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા છે. કુલ ૧૨૩ અધિકારી અને કર્મચારીને પાણીચોરી અને બગાડ રોકવા જવાબદારી આપીને ત્રણે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરને કામગીરીના ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે. ફળિયા ધોતા નજરે પડશો તો ૨૫૦ અને પાણીચોરી કરતા ઝડપાશો તો ૨૦૦૦નો દંડ ફટકારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *