Gujarat

રાજકોટ પોલીસનો ખૌફ બતાવવા ૧૨ વર્ષના કિશોરને માર માર્યો

રાજકોટ
રાજકોટ ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નાસ્તો કર્યા બાદ લારીના સંચાલકે પૈસા માગતાં મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસે મિત્રો સાથે મળી લારી-સંચાલકના ૧૨ વર્ષના પુત્રને ૧૪ ધોકા ફટકાર્યા હતા અને લારી-સંચાલકની પણ બેરહેમીથી ધોલાઇ કરી હતી. પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતો ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા પાંચ અજાણ્યા શખ્સ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી સંચાલક રજાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી સંચાલક રજાકના ૧૨ વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો હતો. પોલીસમેન ધમભા ઝાલા સહિત આઠેય શખ્સ ધોકા લઇને માસૂમ હૈદર પર તૂટી પડ્યા હતા, પુત્રને બચાવવા દોડેલા રજાક પીપરવાડિયાને પણ પોલીમેન આણી આ ગેંગે ઢોરમાર માર્યો હતો, પોલીસમેનની લુખ્ખાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસમેન સહિતના શખ્સોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળ્યા હતા અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી.ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતનાં પગલાં લેવાયા હતા. છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *