અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી નકલી સી.બી.આઈ. ઓફિસર ઝડપાયો હતો. રીશુ યુગલ કિશોર પ્રસાદ નામનો બિહાર રાજ્યનો આ શખ્સ રાજુલા શહેરમાં સી.બી.આઈ.ઓફિસર તરીકે ઓળખ આપતો હતો અને પોલીસની જેવી નેમ પ્લેટ લગાવતો હતો. તેમજ સાથે વોકીટોકી પણ રાખતો હતો. અમદાવાદ સી.બી.આઈ.ઓફિસ વાયરલેસ ઓપરેટર તરીકે નોકરી આપવા માટેની વાતો કરતો કામ બાબતે સમજાવતો હતો અને લોકોને મોટી એજન્સીમાં નોકરી આપવા માટેની લોભામણી લાલચો આપતો હતો. જે માટે કેટલાક રૂપિયા અને ડોક્યુમેન્ટ માંગતો હતો. ૧૨ પાસ સુધીનો અભ્યાસ જરૂરી કહેતો હતો. આ બાબતે એક યુવાન પાસેથી રૂપિયા ૭,૦૦૦ પડાવી છેતરપીંડી થતા તેમને રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઈરફાનભાઈ હૈદરભાઈ મન્સૂરીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. રાજુલા પી.આઈ.અંકુર દેસાઈની ટીમ દ્વારા આ નકલી સી.બી.આઈ ઓફિસરને દબોચી લીધો હતો અને પૂછપરછ શરૂ કરી છે. રાજુલા પોલીસે પરપ્રાંતી શખ્સની ધરપડક કરતા પોલીસ જેવી નેમ પ્લેટ અને હોકીટોકી સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. દિલ્હી સીબીઆઈ બ્રાન્ચ નામ લખેલા ફોટા સહિતનો મુદ્દામાલ રાજુલા પોલીસે કબજે કર્યો છે. પોલીસે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? કેટલા લોકો પાસેથી છેતરપીંડી કરી છે આ બધી બાબતે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.


