જામનગર સ્થિત લુંબીનગર સરકારી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આગેવાન શ્રી કાનજીભાઈ સોલંકી દ્વારા શાળાના સ્થાપના દિવસથી આજ દિન સુધીની ઝલક દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી ડો. દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે દરેક બાળક જો શિક્ષણ મેળવે તો જ તેના જીવનનો વિકાસ થઈ શકે છે. સી.આર.સી. શ્રી જયેશભાઈએ વિદ્યાર્થીઓને શાળાને પ્રગતિના પંથે લઈ જવાના સોપાનો વિશે જણાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ લગારિયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે દાતા શ્રી સુરેશભાઈ માતંગ, શ્રી જયભાઈ પટેલ અને યુવાગૃપ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી ડાયાભાઇ, શ્રી નીતિનભાઈ, શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી મજીદભાઈ, શ્રી હર્ષાબેન, યુવાગૃપ, શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

