વડોદરા
વડોદરા શહેરને હોર્ડિંગ જંગલ ઉભું થતું રોકવા માટે વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત પણ આપેલી હતી, તેમ છતાં કાયદાનું ઉલ્લંઘન થાય છે અને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય છે જેની નોધ લેશો. અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ તેમજ જી.ડી.સી.આર ના કાયદાનું પાલન કરો અને ગેરકાયદે ઉભા કરાયેલા હોર્ડિંગ્સ દૂર કરો.વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર સ્થળો ઉપર હોર્ડિંગ્સ લગાવવા ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ, તેનો અમલ કરાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. વડોદરાની ઐતિહાસિક ઇમારતો અને પ્રતિમાઓ દેખાય નહીં તે રીતે હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ન આવતા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવા માંગણી કરવામાં આવી છે. સમિતિના અગ્રણીઓ એડવોકેટ શૈલેશ અમીન, નીકુલ પટેલ, કિશોર શર્મા, સંજય વાઘેલા, સન્ની ધોબી, દીપક પ્રજાપતિ, અભિષેક ભારદ્વાજ, આકાશ ક્રિશ્ચિયન, અતુલભાઈ પ્રજાપતિ તેમજ મેહુલ પંડ્યાએ જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી વડોદરા હવે હોર્ડિંગ સિટી બની ગયું હોય તેવું દેખાય છે. વડોદરા શહેરના નગરજનોના પરસેવાની કમાઈથી ભરેલા ઘરવેરાના નાણામાંથી બનાવેલારોડ, રસ્તા અને સર્કલને નુકસાન પહોંચાડી શહેરમાં ઠેરઠેર, હોર્ડિંગ્સ વગર પરવાનગીએ લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વપ્રસિદ્ધી પ્રેમીઓએ પોતાના મોટા ફોટા ધરાવતા હોર્ડિંગ્સથી ગાંધીજીની પ્રતિમા પણ દૂરથી દેખાય નહીં, તેમ અંતરાયો ઉભા કરેલા છે. આ ઉપરાંત વડોદરા શહેરના ગૌરવ સમાન ઐતિહાસિક ઈમારત ગણાતું જુના ન્યાયમંદિર બિલ્ડિંગની બાજુમાં પણ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. વડોદરાના ડિસ્ટ્રીકટ કલેક્ટર તેમજ મેજીસ્ટ્રેટની કચેરી બહાર પણ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. આમ તો વડોદરા મહાનગરપાલિકાના રોડ, રસ્તા, ખોદીને ખાડા કરીને હોર્ડિંગ્સના પાયા નાખેલા છે, જે બાદમાં ખાડામાં પાણી ભરાઈ, વાહન વપરાશ થતાં મોટા થઇને મોટા ગાબડા પડી રોડ તૂટી જાય છે. સર્કલની રેલિંગ અને ઇલેક્ટ્રિક થાંભલાને આધાર બનાવી આવા ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવીને માત્ર જાહેર સંપત્તિને નુકસાન જ નહીં પરંતુ વડોદરાની શોભા પણ બગાડાય છે. જી.ડી.સી.આર. ના નિયમોમાં સ્પષ્ટ જણાવેલું છે કે, જાહેર જગ્યા, સર્કલ, સ્ટેચ્યૂ, ઐતિહાસિક ઈમારતો, ચાર રસ્તા જંકશન પાસે કોઈ પણ પ્રકારના હોર્ડિંગ્સ લાગવાયનહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ કોઈપણ પ્રકારના રાજકીય પ્રોગ્રામ, સામાજિક કાર્યક્રમો વિગેરેના કોઈપણ સાઈઝના હોર્ડિંગ્સ જણાવેલી જગ્યાઓએ લગાવવા નહીં. આ બાબતે વડોદરા મહાનગરપાલિકાએ દરેક જંકશન ઉપર જાહેર સૂચના આપતા બોર્ડ પણ મુકેલા હતા.


