નવસારી
વાંસદા તાલુકા તંત્રને કોસ ખાડીના પુલને નુકશાન થવા સાથે રસ્તાના ધોવાણની ફરિયાદ મળ્યાના બે દિવસોમાં જ સમારકામ આરંભ્યું છે. જાેકે અહીંથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે, પરંતુ રસ્તામાં પુરાણ થતા બાઇક અને પગપાળા લોકો અવરજવર કરતા થયા છે. જયારે બારતાડ તરફના અન્ય બે રસ્તાઓ પણ જે ધોવાયા હતા, ત્યાં વરસાદ બંધ થાય તો કામગીરી શરૂ કરી શકાય એવી સ્થિતિ હોવાથી બંને રસ્તા હાલ બંધ કરવામાં આવ્યા છે. વાંસદા તાલુકામાં થયેલા નુકસાન અંગે માર્ગ મકાન વિભાગે પણ અધિકારીઓની ટીમ બનાવીને સર્વે શરૂ કર્યો છે અને વહેલામાં વહેલી તકે રોડ અને પુલનું સમારકામ શરૂ થાય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.નવસારી જિલ્લામાં અઠવાડિયા સુધી રહેલા ભારે વરસાદને કારણે ગાંડીતૂર બનેલી નદીઓ અને એના ધસમસતા પાણીમાં ઘણી તારાજી સર્જાઈ છે. જેમાં વાંસદા તાલુકામાં ઘણા રસ્તાઓ ધોવાયા છે, જેમાં વાંસદા અને ડાંગના વઘઈને જાેડતા કુરેલીયા-કેડકસ માર્ગ વચ્ચેથી પસાર થતી કોસ ખાડીમાંથી પણ તેજ પ્રવાહે કિનારાની જમીનોનું ધોવાણ કરવા સાથે જ કુરેલીયા-કેડકસ વચ્ચે બનેલા પુલને પણ નુકશાન પહોંચાડયુ હતુ. જેમાં કેડકસ તરફની પુલની પીચિંગ સાથે રસ્તાનું પણ ધોવાણ થયુ હતું. જ્યારે સામે કુરેલીયા તરફ પણ પુલમાં ધોવાણ થતા ૧૦ થી વધુ ગામોનો વાંસદાથી સંપર્ક તૂટ્યો હતો. ખાસ કરીને દૂધ ભરવા જતા પશુપાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.
