ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસે છાત્રોડા,સિડોકર તેમજ ડારી ગામે વિકાસરથનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.આપણા દેશની પ્રગતિ અને સંસ્કૃતિનું નેતૃત્વ હંમેશા આપણાં ગામડાઓએ જ કર્યુ છે. એટલે જ તો આજે દેશ પોતાની દરેક નીતિ અને દરેક પ્રયાસના કેન્દ્રમાં ગામડાઓને જ રાખીને ચાલે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ વાક્ય સાર્થક કરતા ગ્રામજનોએ વિકાસરથ અંતર્ગત ગુજરાતના વિકાસની ૨૦ વર્ષની અમૂલ્ય સફરને નિહાળી હતી અને વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી પણ મેળવી હતી.ઉપરોક્ત તમામ ગામમાં જનપ્રતિનિધિઓ તેમજ અધિકારીઓની હાજરીમાં વિકાસ રથ યાત્રાની સાથે જ રોપા વિતરણ, સરકારની જુદી-જુદી યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ, પૂર્વમંજૂરીના ઓર્ડર, કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય તેમજ ખેતીવાડી અને ઘરેલુ વીજજોડાણ યોજના હેઠળ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ગ્રામજનોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ કરાયા હતાં.વિસ્તરણ અધિકારી એન.એન.વાળાએ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરવા અંગે સમજ આપી હતી. જ્યારે ડો.શીતલ રામ અને ડો.ચીરાગ પરમારે આરોગ્યલક્ષી યોજનાઓ તેમજ પીએમજેએવાય કાર્ડ અંગેની માહિતી ઉપસ્થિત લોકો સુધી પહોંચાડી હતી તેમજ વેક્સિનેશન કેમ્પમાં લોકોને વેક્સીનેશન કરાવવા અનુરોધ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.એમ.રાવે કર્યું હતું.
