જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતેની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના “એ” વિદ્યાર્થીઓ માટે બી. ટેક. (એગ્રી. એન્જી.) અભ્યાસના ક્ષેત્રે ઉજવળ તકો રહેલી છે. હાઈટેક ખેતી, જળ અને જમીન સંરક્ષણ, ફૂડ પ્રોસેસીંગ (કૃષિ પેદાશો-ઉપપેદાશોની મૂલ્યવૃધિ), કાર્યક્ષમ ખેત ઓજારો, યંત્રો, ટ્રેકટરોના ઉપયોગ, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ, ગ્રીનહાઉસ ટેકનોલોજી જેવા અગત્યના ક્ષેત્રોની વધી રહેલ અગત્યતાને લીધે કૃષિ ઈજનેરોની માંગ વધેલ છે.
કૃષિ ઈજનેરી વિધાશાખાના બી.ટેક.(એગ્રી. એન્જી.) ડીગ્રી અભ્યાસક્રમમાં મુખ્ય ઈજનેરી ક્ષેત્રો જેવા કે, મીકેનીકલ ઈજનેરી, સીવીલ ઈજનેરી, ઈલેકટ્રીકલ ઈજનેરી, કોમ્પ્યુટર ઇજનેરી વગેરેને લગતા વિષયોના થીયરી અને પ્રેકટીકલ અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ ઈજનેરીના વિશિષ્ટ ક્ષેત્રો જેવા કે, સોઈલ અને વોટર ઈજનેરી, ફાર્મ મશીનરી અને પાવર, એગ્રી પ્રોસેસ ઈજનેરી તથા રીન્યુએબલ એનર્જી ઈજનેરીને લગતા જુદા જુદા વિષયોનું તેમજ ઈન્ટરનેટ સહિત કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે. સમગ્ર અભ્યાસ ક્રમ દરમ્યાન કુલ ૧૬૯ ક્રેડીટ અવર્સનું શિક્ષાણ આપવામાં આવે છે. વધુમાં આ અભ્યાસક્રમ દરમ્યાન ત્રીજા અને ચોથા વર્ષના ઉનાળાના વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓને જુદા જુદા રાજયોમાં / સંસ્થાઓમાં મોકલીને પ્રેકટીકલ ટ્રેનીંગ આપવામાં આવે છે. રાજય તેમજ રાજય બહાર સંલગ્ન ઐાદ્યોગિક તથા શૈક્ષાણિક કેન્દ્રોની મુલાકાત માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના પ્રિન્સીપાલ અને ડીન ડો. એન.કે. ગોંટિયા એ જણાવ્યું કે રાજય બહારની નામાકીંત સંસ્થાઓ જેવી કે, આઈ.આઈ.ટી. ખડગપુર, જી.બી.પંત યુનિવર્સીટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, મહારાણા પ્રતાપ યુનિવર્સીટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, ઉદયપુર, જવાહરલાલ નહેરૂ કૃષિ વિશ્વવિધાલય, જબલપુરમાંથી કૃષિ ઈજનેરીની એમ.ટેક. અને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવેલ શિક્ષકો ધ્વારા કોલેજમાં શિક્ષણ આપવામાં આવે છે.
આ અભ્યાસક્રમ ૪ વર્ષનો છે. જેમાં કુલ ૮ સેમેસ્ટર હોય છે. રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સીટીઓમાં આ કોર્ષ ચાલે છે. પ્રવેશ માટેની લાયકાત ધોરણ-૧ર સાયન્સ વિષયોમાં ફીઝીકસ, કેમેસ્ટ્રી અને મેથેમેટીકસમાં જનરલ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરી માટે ઓછામાં ઓછા ૪૦ % માર્કસ અને અનુસુચિત જાતિ / જનજાતિ કેટેગરી માટે ઓછામાં ઓછા ૩૫ % માર્કસ અંગ્રેજી વિષય પાસ કરેલ હોવા જરુરી છે તેમજ ચાલુ વર્ષની ગુજકેટની પરીક્ષા પાસ કરેલ હોવી જરુરી છે મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશપત્ર Gujarat State Agricultural Universities Common Admission ની વેબસાઈટ www.gsauca.in પર ઉપલબ્ધ છે. પ્રવેશપત્ર ભરવાની છેલ્લી તા. ૯-૯-૨૦૨૨ છે અને પ્રવેશ અંગેની વધુ માહીતી ઉપર જણાવેલ વેબસાઈટ પર જોવા મળશે.
