સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક આજે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી બપોર સુધી ઠંડક અને વાદળિયું. બપોરબાદ કાળો તડકો. જો કે એમ કહેવાય છે કે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ ચક્રવાતી વાવાઝોડાની અસર હોય શકે. જો કે આ ચક્રવાતી વાવાઝોડું તો આંદામાન અને નિકોબાર ટાપુઓ પર થઈને મ્યાનમાર તરફ પસાર થવાનું છે . જો કે માર્ચ મહિનામાં ચક્રવાત વાવાઝોડું પણ એક આશ્ર્ચર્ય જ કહેવાય.!! ઈ. સ. ૧૮૯૧ થી ૨૦૨૨ સુધીમાં માર્ચ મહિનામાં કુલ ૮ ચક્રવાત વાવાઝોડા આવેલ છે. જેમાં ૨ અરબી સમુદ્રમાં અને ૬ બંગાળના ઉપસાગરમાં આવેલ છે . જો કે છેલ્લા ૧૩૨ વર્ષમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત આ વિસ્તારમાં આવેલ નથી. છતાંય વાતાવરણમાં આટલો બદલાવ સાવરકુંડલા શહેરમાં પણ જોવા મળેલ છે. અર્થાત આ પલટાતાં વાતાવરણ અને હવામાનની અસરો કેટલે દૂર સુધી પણ થોડેઘણે અંશે અસર કરે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. હા, આને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ કે ઈસ્ટર્નની દુર્દશા!! પણ વાતાવરણમાં પલટો એ સમગ્ર જીવસૃષ્ટિ માટે સારો તો નથી જ. માટે જ હજુ પણ સમય છે. પર્યાવરણ પ્રત્યે સભાન થઈ પર્યાવરણ કેમ ઓછામાં ઓછું પ્રદુષિત થાય તે અંગેની તકેદારી માટે જાગૃતિ કેળવવાનો સમય આવી ચૂક્યો છે. સહુએ સાથે મળી પર્યાવરણશુધ્ધિ માટે હવે પ્રયાસ કરવા જ પડશે એમાં બેમત નથી.. એક સામાન્ય સર્વેક્ષણ અનુસાર વાત કરીએ તો પર્યાવરણીય સ્વચ્છતા અને પર્યાવરણ શુધ્ધિકરણ વિશે પણ લોકોની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે. હા, ભભકાદાર સમારંભમાં પર્યાવરણ બચાવની વાતો ફોટો સેશન અને મિડિયા સમક્ષ ગુલાબી વાતો સિવાય કોંક્રીટ પ્લાન અંગે કશું ફળદાયી જોવા ક્યા મળે છે?? વાસ્તવમાં આવી ફોટો સેશન કરવાને બદલે ખરું સંન્માન તો પર્યાવરણને શુદ્ધ કરવા માટેનો મૂક અથાગ પ્રયાસ જ હોય શકે.. પરંતુ વાસ્તવમાં એ ખૂબ જવલ્લેજ જોવા મળે છે..

