Gujarat

હવે સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરે બેઠા ટપાલી પહોંચાડશે

અમદાવાદ
દેશના મોટા મોટા મંદિરોમાં અત્યાર સુધી ઓનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે કેટલાંક મંદિરોમા ભક્તજનો ઓનલાઇન પૂજા-અર્ચના પણ કરી શકે છે. જેમાં સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોની સુવિધા માટે એક નવી સેવાની શરૂઆત કરી છે. જેમાં પોસ્ટ ઓફિસની મદદથી દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે સોમનાથ મહાદેવની પ્રસાદી ઘર બેઠા મેળવી શકશે. ૨૫૧ રૂપિયાની કિંમતના મની ઓર્ડર થકી આ પ્રસાદી લોકોને પહોંચાડવામાં આવશે. આ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. ગુજરાત સહિત દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરનું ફોર્મ ભરી શકાશે. જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન સબમિટ કરવામાં આવશે અને તેની રસીદ અપવામાં આવશે. જે બાદ સોમનાથ પ્રભાસ-પાટણની ઓફિસ દ્વારા ભગવાન સોમનાથની પ્રસાદી મોકલવામાં આવશે. પોસ્ટ વિભાગ દ્વારા તેની મુખ્ય કામગીરી સિવાય અલગ અલગ પ્રકારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં ગંગાજળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અલગ-અલગ સોસાયટીમાં જઈને પોસ્ટ સંબંધિત સેવા અને આધાર કાર્ડ સંદર્ભેની કામગીરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.પોસ્ટ વિભાગ હવે ઘર બેઠા ગુજરાતના સોમનાથ મહાદેવનું પ્રસાદ પહોંચાડવાનું કામ કરશે. જે માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈ સોમનાથ ટ્રસ્ટના નામે મની ઓર્ડર કરવાનો રહેશે. જેના ૩-૪ દિવસ દરમિયાન આ પ્રસાદ ઘરે પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *