યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા ૧૦ વર્ષ પહેલાં કઢાવેલા આધારકાર્ડ ધારકો માટે અપડેટ કરાવવાનું જણાવવામાં આવ્યું છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા ૧૦ વર્ષ અગાઉ કઢાવ્યું હોય અને ત્યારબાદ તે વચ્ચે કોઈ જ સુધારા વધારા ન કરાવ્યા હોય તેવા આધાર કાર્ડ ધારકોએ તેમનું આધાર કાર્ડ નજીકના નોંધણી કેન્દ્ર ખાતે ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે.
સરકારી યોજનાઓના લાભ માટે કે વ્યક્તિની ઓળખ માટે હવે આધાર કાર્ડ એ મહત્વનો પુરાવો છે. અને છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઊભી રહ્યું છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની તારીખ ૧૯/૯/૨૦૨૨ ની કચેરી યાદી મુજબ જે નાગરિકોના આધાર કાર્ડ ૧૦ વર્ષથી વધુ સમય દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવા નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો (ઓળખના પુરાવા અને રહેઠાણના પુરાવા) સાથે આધાર કાર્ડ અપડેટ કરાવવા જણાવેલ છે. કાર્ડધારકોએ આ પ્રક્રિયા માટે રૂપિયા ૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે એમ જુનાગઢ જિલ્લા નીવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
