ભુજ
અબડાસા તાલુકાના નલિયા પાસે ડંપર અને બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાળા તળાવ ગામના બાઈક ચાલક સંગ્રામજી કાનજીભા સોઢાનું ડંપર તળે ચગદાઈ જવાથી ગંભીર પ્રકારની ઇજા પહોંચતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. નલિયાના અતિ વ્યસ્ત ઘોડા સર્કલ પાસે બનેલી દુર્ઘટનાના પગલે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેને લઈ વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. જાેકે બનાવ બાદ ઘટનાસ્થળે પહોંચેલી નલિયા પોલીસે મતુદેહનો કબજાે લઈ પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવા સાથે તપાસની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર ડંપર ચાલક ડંપર મૂકી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ નલિયાના ઘોડા સર્કલ પાસે આગળ તરફ જઈ રહેલી બાઈકને પુરપાટ આવતા ડંપરે પાછળથી ઠોકર મારી હડફેટે લેતા બાઈક ચાલક જમીન પર પટકાઈ ગયા હતા. જેમને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહિંચતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. હતભાગી તેમના ગામ કાળા તળાવથી નલિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ ડંપર ચાલક નાસી ગયો છે. નલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


