અમદાવાદ
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતા ૫૫ વર્ષીય તખુબેન પરમારને ૫મી એપ્રિલના રોજ શારીરિક નબળાઇ અનુભવાતા અને બ્લડપ્રેશર એકા એક ખૂબ જ વધી જતા બગોદરાની સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા. બગોદરાથી તેમને બાવળા સ્થિત સરકારી હોસ્પિટલમાં રીફર કરીને સી.ટી.સ્કેન અને જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. અહીંના તબીબો બ્રેઇન હેમરેજ થયા હોવાનું નિદાન કરીને તખુબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કર્યા. પરિવારજનો તખુબેનને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં પહોંચ્યા. ટ્રોમાં સેન્ટરમાં આઇ.સી.યુ. દાખલ કરીને જરૂરી સધન સારવાર શરૂ કરવામાં આવી. ત્રણ દિવસની સઘન સારવાર બાદ તબીબો દ્વારા તખુબેનને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તખુબેન પરમાર બ્રેઇનડેડ થતા સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓ ટીમ દ્વારા તેમના પરિવારજનો અંગદાન અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી. પરિવારજનો પણ અંગદાનની મહત્તા સમજીને તખુબેનના અંગોનું દાન કરવા તૈયાર થયા. બ્રેઇનડેડ તખુબેનના અંગોના રીટ્રાઇવલ માટે સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. તબીબોની ભારે જહેમત બાદ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું જેને જરૂરિયાતમંદ પીડિત દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. તખુબેનના પરિવારજનો કહે છે કે, તખુબેન બ્રેઇનડેડ થતા તેમની અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી. અંતિમ ક્રિયા કર્યા બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન થાય તેના કરતા તેમના શરીરના અંગો કોઇક જરૂરિયામંદ વ્યક્તિના કામે લાગે, કોઇક પીડિતને નવજીવન આપે આ વિચારધારા સાથે જ અમારા પરિવારજનોએ એકજૂથ થઇને અંગદાનનો ર્નિણય કર્યો. અમારા સ્વજન તખુબેન જીવનપર્યત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સેવાભાવી તખુબેન જીવન ટૂંકાવ્યા બાદ પણ અન્યને મદદરૂપ બન્યા તેનો અમને ગર્વ છે. સમાજ, સરકાર, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી અંગદાન પ્રત્યે જાગૃકતા વધી રહી છે. જેના પરિણામે જ રાજ્યમાં અંગદાનનું પ્રમાણ વધ્યુ છે. વ્યક્તિથી વ્યક્તિને મદદરૂપ બનવાના આ સેવાયજ્ઞમાં રાજ્યના તમામ નાગરિકોને જાેડાવવા ડૉ. રાકેશ જાેષીએ અનુરોધ કર્યો છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૫૧મું અંગદાન થયું છે. અંગદાન કોઇ વર્ગ, સંસ્થા કે સમાજ પૂરતુ સિમિત ન રહીને જનજનમાં અંગદાનનો વિચાર સંકલ્પરૂપ બન્યું છે. ધનિક, મધ્યમવર્ગીય કે સાક્ષર પરિવાર જ નહીં પરંતુ રાજ્યના દીનબંધુઓ, દરીદ્રનારાયણ પરિવારજનો પણ અંગદાનના સેવાયજ્ઞમાં બહુમુલ્ય યોગદાન આપી રહ્યા છે. બાવળાના ૫૫ વર્ષીય તખુબેન સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની સઘન સારવાર બાદ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે કોર્પોરેશનમાં સફાઇકર્મી તરીકે ફરજરત તેમના પુત્રએ પરિવારજનો સાથે પરામર્શ કરીને મહાદાન સમા અંગદાનનો પવિત્ર ર્નિણય કર્યો.
