અમદાવાદ
અમદાવાદમાં પૌત્રએ દાદીને માર માર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દાદીએ પૌત્રને ‘કોનો ફોન આવ્યો?’ એટલું પૂછતા જ ઉશ્કેરાઈ ગયેલા પૌત્રએ જમતા જમતા દાદીના માથામાં વાટકી મારીને તેમને લોહી લુહાણ કરી નાખ્યા. આટલું જ નહીં ગડદા પાટુનો માર મારીને ‘તને છોડીશ નહીં’ તેવી ધમકી પણ આપી. આ સમગ્ર મામલે હવે વૃદ્ધાએ પૌત્ર વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૬૯ વર્ષના કાંતાબેન (નામ બદલ્યું છે) તેમના નિવૃત્ત પતિ, દીકરા-વહુ તથા પૌત્ર સાથે રહે છે. તેમનો દીકરો ડાયાબિટીશનો દર્દી હોવાથી પથારી વશ છે જ્યારે તેમની વહુ પ્રાયવેટ કંપનીમાં નોકરી કરે છે અને પૌત્ર કોઈ કામ ધંધો કરતો નથી. ૧૧મી માર્ચના રોજ કાંતાબેન રાત્રે ૧૦ વાગ્યે તેમના પરિવાર સાથે જમવા બેઠા હતા. આ વખતે તેમના પૌત્ર કપિલ (નામ બદલ્યું છે)ના ફોનમાં તેના માસીનો ફોન આવ્યો હતો, આથી કાંતાબેને તેને પૂછ્યું, કોનો ફોન આવ્યો છે? એવામાં કપિલ વાત કરતા કરતા ગુસ્સે થઈ ગયો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો. કાંતા બેને તેને ચૂપ રહેવાનું કહેતા પૌત્રએ વાટકી લઈને તેમના કપાળમાં મારીને તેમને લોહી લુહાણ કરી નાખ્યા હતા અને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો. એવામાં કાંતા બેનના પતિએ વચ્ચે પડીને તેમનો બચાવ કર્યો હતો. જાેકે કપિલે આટલેથી ન અટકીને દાદીને જતા જતા ધમકી આપી કે, તને છોડીશ નહીં. જાેકે વૃદ્ધાના કપાળમાંથી લોહી નીકળતું હોવાથી તેને ૧૦૮માં સોલા સિવિલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સારવાર કરાવીને વૃદ્ધાએ ઘરે જઈને પોતાના પૌત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


