બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગ મળે તે હેતુસર લાલપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા બહેનો અને આશા ફેસિલીટર બહેનોને જન્મ સમયે દીકરીઓના પ્રમાણમાં વધારો થાય તે માટે શું કરી શકાય આ વિષય અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. આશા બહેનોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની જાણકારી આપીને તેમના વિસ્તારમાં જો આ એક્ટનો ભંગ થયો હોવાનું ધ્યાને આવે તો મેડિકલ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અથવા જિલ્લા કક્ષાએ જાણ કરવાનું સૂચન અપાયું હતું. આગામી સમયમાં જિલ્લાના તમામ તાલુકામાં આશા અને આશા ફેસીલીટર બહેનો માટે અન્ય તાલીમ સત્રનું આયોજન કરવામાં આવશે.
તાલીમ સત્રમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.એન. કન્નર, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.પી.ડી.પરમાર, તાલુકા હેલ્થ વિઝીટરશ્રી ડો.નિકુંજ નકુમ, પ્રો.આ.પી.એન.ડી.ટી.સેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી ડો.સોનલબેન કરમુર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ સત્રના આયોજનની જહેમત તાલુકા એપ.પી.એસ. શ્રી જી.પી. મકવાણા અને લાલપુર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ઉઠાવવામાં આવી હતી.


