Gujarat

કલોલમાં સોનાના દાગીના ઘડનાર કારીગરનું શંકાસ્પદ મોત, વેપારીઓએ પોલીસને બોલાવી દુકાનનું તાળુ તોડી લાશ શોધી

ગાંધીનગર
ગાંધીનગર કલોલ શહેરમાં આવેલ બીટી મોલ – ૧ ખાતેની દુકાનમાંથી સોનાનાં દાગીના ઘડનાર પરપ્રાંતી કારીગર પ્રભાકર નાંગરેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક તેના બે મિત્રો સાથે કલોલના સોનાના વેપારીઓ સાથે કાચા સોનામાંથી દાગીના બનાવી આપવાનો વ્યવસાય કરતો હતો. મૃતક પાસેથી લાખોની રોકડ – કાચું સોનું ગાયબ થઈ જતાં ચિંતાતુર બનેલા વેપારીઓએ પોલીસને બોલાવીને દુકાનનું તાળુ તોડતા અંદરથી લાશ મળી આવી હતી. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા દસેક વર્ષથી કલોલ શહેરમાં આવેલ બીટી મોલ – ૧ ખાતે પ્રભાકર નાંગરે, શ્રીમંતો દાસ, અને ભોલુ બંગાળી સોનું ગાળીને દાગીના બનાવવાનો ધંધો કરે છે. જેનાં કારણે કલોલ સોની બજારના સોનીઓ દ્વારા આ ત્રણેય મિત્રોને સોનાના દાગીના બનાવવા તેમજ કાચું સોનાના કામ આપવામાં આવતા હતા. પ્રભાકર દાગીના બનાવવાની સાથે અત્રેના વેપારીઓના કાચા સોનું તેમજ રૂપિયા અમદાવાદથી લઈ આવવાનું પણ કામ કરતો હતો. પ્રભાકર દસેક વેપારીઓના રૂપિયા તેમજ અંદાજીત છસ્સો ગ્રામ સોનું અમદાવાદથી લઈ આવ્યો હતો. જેથી વેપારીઓ તેની રાહ જાેઈને બેસી રહ્યા હતા. પરંતુ આ વખતે પ્રભાકર સમયસર નહીં આવતાં વેપારીઓએ તેની શોધખોળ આદરી હતી. આ દરમિયાન ત્રણ મિત્રો પૈકીનો ભોલુ બંગાળી દુકાને ગયો હતો. જ્યાં પ્રભાકરને શંકાસ્પદ હાલતમાં પડેલો જાેઈ ગયો હતો. આથી શ્રીમંતોએ કહેલું કે રોજની જેમ પ્રભાકર દારૂ પી ગયો છે. એટલે ભોલુ બંગાળી ત્યાંથી નીકળી ગયો હતો. જાેકે, મોડી સાંજ પડવા છતાં પ્રભાકરનો પત્તો ના લાગતા વેપારીઓએ આસપાસનાં વિસ્તારમાં શોધખોળ ચાલુ રાખી હતી. એ દરમિયાન ભોલુ બંગાળી વેપારીઓને મળી ગયો હતો. જેણે પ્રભાકર દારૂ પીને દુકાનમાં પડ્યો હોવાનું કહ્યું હતું. આથી વેપારીઓની હાજરીમાં ભોલુએ શ્રીમંતોને ફોન કર્યો હતો. ત્યારે શ્રીમંતોએ ભોલુને પૂછ્યું હતું કે તે બધાને કહી દીધું. આથી કઈ ગડબડ હોવાનો અંદાજાે આવી જતાં સોનાના વેપારીઓ બીટી મોલ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં શ્રીમંતો દુકાનને તાળું મારી ફરાર થઈ ગયો હતો. બાદમાં વેપારીઓએ પોલીસને બોલાવીને દુકાનના શટરનું તાળું તોડયું હતું. જ્યાં દુકાનની પાર્ટીશન વાળા દરવાજાને ખોલતાં જ પ્રભાકર શંકાસ્પદ રીતે મરણ ગયેલી હાલતમાં પડ્યો હતો. પરંતુ પ્રભાકર પાસેથી લાખો રૂપિયા તેમજ સોનું મળી નહીં આવતાં વેપારીઓનાં જીવ તાળવે ચોંટી ગયા છે. બાદમાં મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કલોલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના લોકોની પૂછતાંછ શરૂ કરાઈ છે. આ અંગે કલોલ શહેર પોલીસ મથકના ફોજદાર ઉન્નતિબેન પટેલે જણાવ્યું હતું કે, દુકાનમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. જેનું પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ લેવામાં આવી છે. જેનાં રિપોર્ટના આધારે માલુમ પડશે કે પ્રભાકરનું મોત કેવી રીતે થયું છે. પ્રભાકર અમદાવાદ જવાનો હતો પણ કોઈ કારણસર ગયો ન હતો. હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. એફએસએલનાં રિપોર્ટમાં હત્યા થયાનું જણાઈ આવશે તો ૩૦૨ હેઠળ પણ ગુનો દાખલ કરાશે.

Kalol-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *