આઝાદીકાઅમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ ઓકટોબરના રોજ “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભીનાં માર્ગદર્શન હેઠળ બી.બી.પી. સેલ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર કસ્તુરબા બાલિકા ગૃહ ખાતે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત સખી (કિશોરી) મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ તેમજ ‘બેટી બચાઓ બેટી પઢાઓ‘ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતા કિશોરીઓને ઇનામો અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરી શિક્ષણ મેળવી કુશળતા હાંસલ કરી આત્મનિર્ભર બનવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ “બેટી બચાઓ બેટી પઢાઓ” અંતર્ગત પ્રતિજ્ઞા વાંચન તેમજ કિશોરીઓને હાઈજીન કીટ વિતરણ કરીને વ્યક્તિગત સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી પધારેલા શ્રી પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા સેલ્ફ ડીફેન્સ અને સાયબર ક્રાઈમ અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હંસાબેન ટાઢાણી, સોનલબેન વર્ણાગર, મહિલા શક્તિ કેન્દ્રનાં મહિલા કલ્યાણ અધિકારીશ્રી રૂકશાદબેન ગજણ,બાલિકા ગૃહના કર્મચારીઓ તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


