આણંદ
બંને આરોપી જીએસઆરટીસી ગોધરા વિભાગના બુકીંગ એજન્ટો છે.આ બન્ને શખ્સો યુઝર આઇ.ડી ગમે ત્યાંથી મેળવીને કે હેક કરીને જાન્યુ. -૨૦૨૨ થી મે -૨૦૨૨ દરમ્યાન ખંભાત ડેપોની ઘણી બધી ટીકીટો ઓનલાઇન બુક કરી હતી. ત્યારબાદ ૧૨૯ જેટલી ટિકીટો કેન્સલ કરી હતી. જેની કિંમત ૩૭૩૫૪ રૂા. થાય છે. આમ કુલ ૧૭૮૭૫૮ અને ૩૭૩૫૪ એમ મળીને ૨,૧૬,૧૧૨ નું રીફંડ મેળવી એસ.ટી. ડિપાર્ટમેન્ટને મળતી રકમ તેમજ સરકારને મળવાપાત્ર થતી મુસાફર ટેક્ષની રકમનું નુકશાન કરી છેતરપીંડી કરી હતી. આ બંનેએ સુરત ડેપો મેનેજરનું આઇડી પણ હેક કરીને ટિકીટ કેન્સલ કરીને ૧.૫૮ લાખની છેતરપીંડી કર્યાનું તાજેતરમાં સામે આવ્યુ હતું.દાહોદના નળવાઇ ગામના વિપુલ ભગાભાઇ મોહનિયા અને ધાનપુર તાલુકાના મંડોર ગામના નલવાયા ફળિયામાં રહેતાં સુરેશ કરણ મકવાણા એસ.ટી એજન્ટ કરીકે કામ કરતાં હતાં. આ બંને એજન્ટોએ ખંભાત ડેપોમાં એક સાથે ઘણી બધી ટીકીટ ઓનલાઇન બુક કર્યા બાદ ખંભાત એસ.ટી ડેપો મેનેજરનું યુઝર આઇ.ડી હેક કરી લઇને ટિકિટો ઓન લાઇન જ કેન્સલ કરી નાંખી હતી. જેના પગલે ખંભાત ડેપોને લાખોનુ નુકશાન થવા પામ્યું હતું. ખંભાત ડેપો મેનેજર મહીડા ધર્મેન્દ્રસિંહ મહોબતસિંહે વિપુલ અને સુરેશ સામે કુલ ૨,૧૬,૧૧૨ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


