જામનગર
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વિધિવત જાહેરાત થાય તે પૂર્વે જ નિમણૂંક પત્ર લીક થઇ ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નામથી પ્રમુખ જગદીશ ઠાકોરના નામે લીક થયેલા પત્રમાં પ્રથમ એક વર્ષ માટે વિપક્ષી નેતા તરીકે સિનીયર કોર્પોરેટર આનંદ રાઠોડનું નામ સામે આવ્યું છે. જ્યારે બીજા વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી લડી વિજેતા થયેલા ધવલ નંદાનું નામ ફાઈનલ થયું છે. આ પત્ર ગત તા.૧૧મી જાન્યુઆરીના રોજ અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી પ્રસિદ્ધ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાે કે આ પત્રની સત્યતા અંગે કોઈ પ્રકારનો દાવો કરવામાં આવ્યો નથી. પણ કોંગ્રેસના સુત્રોના દાવા મુજબ આ પત્ર સો ટકા સાચો છે અને પત્ર મુજબ જ વિપક્ષી નેતાની નિમણૂંક થશે. આજે રવિવારે અગિયાર વાગ્યે પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાંથી આવેલા લેટરને ખોલવામાં આવશે અને વિધિવત રીતે વિપક્ષી નેતાની જાહેરાત કરવામાં આવશે.


