જામનગર
રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૫૮ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જ્યારે એસ્ટેટ શાખા દ્વારા શહેરના ૫૮ દિગ્વિજય પ્લોટમાં હિંગળાજ ચોકથી આગળના વિસ્તારોમાં નવા ડીપીના અમલીકરણને લઈને મહાનગરપાલિકા દ્વારા ૨૦ દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પટેલ સમાજથી હિંગળાજ ચોક લઈને દિગ્વિજય ૪૯ સુધી ૧૫ મીટરનો ડીપી રોડ સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કર્યો હતો. પટેલ સમાજથી નવાનગર સુધી રોડ ક્લિયર છે. ૪ લેન રસ્તા પછી નવાનગર બેંકથી લઇ હિંગળાજ ચોક અને આંગણવાડી સુધી ૨૦૦ મીટર વિસ્તારમાં ૨૦ જેટલા દબાણો હતા. ૧૮ ઇન્ડસ્ટ્રીયલ દબાણ, ૧ રેસિડેન્સિયલ દબાણ અને ૧ આંગણવાડી એમ ૨૦ દબાણો દૂર કરી ૨૦૦ મીટર જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૩ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે કામગીરીનું ડિમોલિશન સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે અને કાટમાળ ઉપાડવાની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થઇ જશે તેવું સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ જણાવ્યું હતું. દબાણ હટાવવાની કામગીરીમાં એન્જિનિયર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના કાર્યપાલક એન્જિનિયર મુકેશ વરણવા, એસ્ટેટ વિભાગના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી સહિતના ડીપીટીપીના અધિકારીઓ સાથે ૨૦ જેટલી મિલ્કતોના ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઇ જ રૂકાવટ ન આવે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. જ્યારે દબાણ હટાવવાની કામગીરી વખતે સ્થળ પર વિસ્તારોમાં ટોળેટોળા પણ એકઠા થયા હતા. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું સિટી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું.


