જૂનાગઢ જિલ્લાના જે યુવાઓ તા.૧/૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર છે. તેઓને મતદાર બનાવાની તક સાંપળશે. એટલે આગામી વિધાનસભામાં તેઓ મતદાન કરી શકશે.
આ સંદર્ભેની જાણકારી આપતા અધિક નિવાસી કલેક્ટર શ્રી એલ.બી.બાંભણિયા અને નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી રિના ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૧૨-૮-૨૦૨૨ થી તા.૧૧-૯-૨૦૨૨ સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ સ્વરૂપે ચલાવવામાં આવશે. જે દરમિયાન નવા મતદારોની નોંધણીની સાથે લોકો પોતાના ચૂંટણી કાર્ડ-મતદાર યાદીમાં નામ કમી કરવા, નામ સુધારણા અને સરનામુ સુધારવાની કામગીરી કરી શકશે. આ માટે ખાસ આગામી તા.૨૧/૮, ૨૮/૮, ૦૪/૯ અને ૧૧/૯ના રોજ આવતા આ ચારેય રવિવારે લોકો પોતાના મતદાન મથક ખાતે ઉપરોક્ત મતદાર યાદી સંબંધિ કામગીરી કરી શકશે. આમ, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો લાભ લઈ, ખાસ કરીને જે યુવાઓ મતદાર બનવાની પાત્રતા ધરાવે છે, તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી, લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બનાવા અનુરોધ કર્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા નવા થયેલ સુધારા મુજબ હવે તમામ મતદારો ફોર્મ નંબર-૬(ખ) ભરીને પોતાનું આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લીંક કરાવી શકશે. ફોર્મ નંબર-૬ ફક્ત જેનું નામ મતદાર યાદીમાં ન નોંધાયેલ હોય, તેવા પ્રથમ વખતના મતદારો માટે નામની નોંધણી કરવા માટેનું છે.
ફોર્મ નંબર-૮ નામ, અટક, જાતિ, જન્મ તારીખ સુધારવા માટેનું ફોર્મ છે. આ ફોર્મ દ્વારા દિવ્યાંગોનં ફ્લેગીંગ કરવામાં આવશે. તેમજ ફોર્મ-૮ને રદ કરવામાં આવ્યું છે.
મતદાર યાદીમાં હક્કદાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.૧૨/૮/૨૦૨૨થી ૧૧/૯/૨૦૨૨ સુધીનો રહેશે. તેમજ આ આવેલ વાંધા અરજીઓ તા.૨૬/૯/૨૦૨૨ સુધીમાં નિકાલ કરવાનો સમય નિર્ધારિત કરાયો છે. અંતે તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ઉપરાંત VOTER PORTEL અને NVSP PORTEL ઉપર તમામ મતદારો જાતે ઓનલાઇન મતદાર યાદીમાં નામ નોંધણી અને સુધારો કરી શકશે. તેમ માધ્યમ કર્મીઓ સાથે સંવાદ કરતા નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા અને નાયબ ચૂંટણી અધિકારી ડો.રીના ચૌધરીએ જણાવ્યું હતું.
