નવસારી
હાઇકોર્ટે આદેશ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને નવસારી શહેરના ૮૦ જેટલા આરઓ પ્લાન્ટ સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક પ્લાન્ટ બંધ કરવાની સૂચના આપતા તેની સીધી અસર મધ્યમ વર્ગને પડી હતી. લોકો પૈસા ખર્ચીને પાણી વર્ષોથી પીતા આવ્યા છે તેમને એક ઝાટકે પીવાના પાણી માટે લાઈનોમાં લાગવું પડ્યું હતું. આ સમગ્ર મામલે રાજકીય રંગ પકડે તે પહેલા જ તંત્રએ ગણેશ ઉત્સવને પણ ધ્યાનમાં લઈ મધ્યસ્થી કરીને ઉકેલ લાવ્યો છે. આરઓ પ્લાન્ટને લઈને પ્રશ્નો ઉપસ્થિત થતા શહેરમાં પ્લાન્ટ સંચાલકોએ એસોસિએશન બનાવ્યું છે અને આગામી સમયમાં હવે તેઓ એફએસએસએઆઈ લાયસન્સ માટે પણ એપ્લાય થશે, જેને લઈને ધારા ધોરણ નક્કી થતાં હાઇકોર્ટમાં જે અરજી થઈ હતી તેનું પણ નિરાકરણ આવવાની સંભાવના જાેવામાં આવી રહી છે.નવસારી શહેરમાં છેલ્લા સાત દિવસથી પીવાના પાણીને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે પાણી ઉપલબ્ધ કરવા મામલે નવસારી-વિજલપોર નગરપાલિકા તંત્ર પણ આ મામલે સફાળું જાગ્યું હતું અને સંબંધિત વિભાગો સાથે કલેક્ટરની આગેવાનીમાં મીટીંગ યોજી હતી. જે બાદ આરઓ સંચાલકોને અનઔપચારિક રીતે શરતો સાથે છૂટ આપતા લોકોને લાંબી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળી છે.


