નવસારી
કોરોના સંક્રમણ કાબુમાં આવે તે માટે રાજ્ય સરકાર સહિત સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર લોકોને તમામ એસઓપીના નિયમોના પાલન માટે અપીલ કરી રહ્યા છે, જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. સાથે જ માસ્ક વિતરણના કાર્યક્રમમાં પણ સરકારી ધોરણે થઇ રહ્યા છે. ત્યારે લોકોએ સ્વયંશિસ્તથી એસઓપીના નિયમોનું પાલન કરવું જાેઈએ એ હાલના સમયની માંગ છે. ત્યારે લોકો પણ પોલીસની કામગીરીથી અકળાયા હોય તેમ અને પોલીસ અને પબ્લિક વચ્ચે સામાન્ય વાતચીતનો પણ વીડિયો બનાવી વાયરલ કરવું એ હવે જાણે ફેશન બની હોય તેમ આવા જ પ્રકારનો એક વીડિયો નવસારીના વિજલપોર વિસ્તારમાંથી સામે આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.નવસારી શહેરને અડીને આવેલા વિજલપોરના રામનગર વિસ્તારમાં રાત્રિના સમયે સોસાયટીના નાકે ટોળે વળીને માસ્ક વગર ઉભેલા યુવાનોને બાઈક પર પેટ્રોલિંગ માટે જઈ રહેલા પોલીસ કર્મીઓએ માસ્ક પહેરવા માટે કહ્યું હતું. ત્યારે સ્થાનિક યુવાનોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને પોલીસને “શું અમે ઘરે અને બેડ પર પણ માસ્ક પહેરીએ” તેવી દલીલો સાથે બોલાચાલી કરી હતી. આ સમગ્ર વાતચિતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
