સુરેન્દ્રનગર
મુંબઇ ખાતે રહેતી મહિલાના લગ્ન ૧૪ વર્ષ પહેલા થયા હતા. જેને સંતાનમાં ૧૩ વર્ષની દીકરી છે. તેનો પતિ મારકૂટ કરતો હોવાથી તેમજ તું અમારા ઘરેથી નીકળી જા એમ કહેતો હોવાથી તેમજ તેની દીકરી પણ અમારે તારી જરૂર નથી એમ કહેતી હોવાથી માનસિક રીતે કંટાળી મહિલાએ ઘર છોડી દીધું હતું. તેમજ કોઇને કહ્યા વગર તેઓ ટ્રેનમાં બેસી ગયાં હતાં. જામનગરમાં રહેતા તેમના માસીના ઘરના સરનામાની જાણકારી ન હોવાથી મહિલા ત્યાંથી નીકળી અલગ અલગ શહેરમાં ફરતા ફરતા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આરપીએફની નજરમાં આવી હતી. પૂછપરછમાં મહિલાએ પોતાની વેદના ઠાલવી પોલીસને કહ્યું હતું કે મારે ઘરે જવું નથી. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરાતાં કાઉન્સિલર રૂચિતા અને કોન્સ્ટેબલ જાગૃતિબેનની ટીમે સુરેન્દ્રનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે મોકલી આપ્યાં હતાં.પતિ અને દીકરીના ત્રાસથી કંટાળી મુંબઇ ખાતે રહેતી મહિલા ઘર છોડી સુરેન્દ્રનગર આવી પહોંચી હતી. જાે કે મહિલા હેલ્પલાઇનની ટીમ મદદે આવતાં મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપવામાં આવી હતી.


