Gujarat

લાઇફ મિશનનાં પ્રણેતા પૂ.રાજર્ષિ મુનિજી બ્રહ્મલિન..

યોગ અને અધ્યાત્મ ક્ષેત્રે અસંખ્ય શ્રદ્ધાળુઓનાં પ્રેરણાસ્ત્રોત,લાઇફ મિશનનાં પ્રણેતા,પરમ યોગીજીવન-સાધક,ગુજરાતમાં સ્થપાયેલી લકુલીશ યોગ યુનિવર્સિટીના પ્રણેતા પૂ.રાજર્ષિ મુનિજી તા.૩૦-૦૮-૨૦૨૨ના રોજ વહેલી સવારે નશ્વર દેહ છોડી અનંતયાત્રાએ પ્રયાણ કર્યું.

સ્વામી રાજર્ષિ મુનિનો જન્મ મોરબીના શાપર ગામમાં ૧૧મી ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે થયો હતો.દેવીસિંહજી સૌરાષ્ટ્રના પોરબંદર રજવાડાના મહારાજાના સહાયક કેમ્પમાં સેવા આપતા હતા.તેમના પરિવારને સમાજ માનની નજરથી જોતો.તેઓ પ્રતિષ્ઠિત સાહિબજીના વંશજ હતા.તેમનાં માતા મોંઘીબા ઝાલાનાં દીકરી હતાં.જેઓ લીમડી રાજ્યના રાજા હતા.તેમના ભાઈ ખેંગારજી કચ્છ રાજ્ય સાથે સંકળાયેલા હતા.આમ તેઓ રાજવી પરિવારમાંથી આવતા હતા અને તેમણે નાનપણમાં ઘણો વૈભવ ભોગવ્યો હતો.તેમનો પ્રારંભિક ઉછેર માતા-પિતાના માર્ગદર્શનમાં થયો હતો.જ્યાં તેમનો જન્મ થયો એ પોરબંદરમાં બે વર્ષ રહ્યા પછી તેઓ ૧૯૩૩માં પોતાના વતન શાપર ગામમાં આવ્યા હતા.અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું.૧૯૩૮માં આગળ ભણવા તેઓ લીમડી ગયા હતા.૧૯૪૬માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.

યુવાન યશવંતસિંહ શાળા જીવનમાં ખૂબ ખીલ્યા હતા.અનેક રમતોમાં તેઓ કુશળ હતા.તેમણે પોતાનામાં રહેલા પ્રેમ અને કરૂણાના ગુણો બતાવ્યા હતા.એ પછી તેઓ ભાવનગરની શામળદાસ ગાંધી કોલેજમાં ભણ્યા અને ત્યારબાદ મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. ૧૯૫૩માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા,એ પછી તેમણે પીએચડીની તૈયાર કરી હતી. ૧૯૫૪માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા.૧૯૫૪થી ૧૯૬૨ સુધી તેમણે રાજ્ય સરકારના વર્ગ-૧ના અધિકારી તરીકે સેવા બજાવી.

બ્રહ્મલીન સ્વામી શ્રી કૃપાલ્વાનન્દજી (૧૯૧૩-૧૯૮૧ભારતના સંતરત્ન, યોગના ઉપાસક, ભક્ત, સાચા અર્થમાં સંન્યાસી, નિરભમાની, નિર્મોહી, નિરાસક્ત અને અતિ પ્રેમાળ, સરળ, દયાળુ અને કૃપાળુ સ્વભાવના હતા.તેઓશ્રીનું સાન્નિધ્ય સંતપણાની પ્રતીતિ તેઓશ્રીના સંગમાં આવનારને થતી હતી.તેમને પ્રચાર કે પ્રસિદ્ધિની કે શિષ્ય સમુદાય વધારવાની કે આશ્રમોની સ્થાપનાની ભાવના ન હતી.તેઓશ્રી દ્રઢપણે માનતા હતા કે “સાધુ તો ચાલતા ભલા”. તેઓશ્રી સંન્યાસ લીધા પછી ગામડે ગામડે ફરી સત્સંગનું આયોજન કરતા અને શ્રીમદ ભગવદગીતા ઉપર પ્રવચનો આપતા હતા.તેઓશ્રીની વાણીની છટા અને શૈલી શ્રોતાઓને સ્વામી વિવેકાનન્દજીની યાદ અપાવતી.

સ્વામી કૃપાલ્વાનંદજીએ કાયાવરોહણ ગામે ગુજરાતનું સર્વપ્રથમ યોગ વિદ્યાલય શરૂ કર્યું હતું.૧૧મી ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ રાજર્ષિ મુનિએ પોતાનું ઘર છોડી દીધું.થોડો સમય મલાવ રહ્યા એ પછી સ્વામી કૃપાલ્વાનંદજી પાસે કાયાવરોહણ ગયા.તેમના જન્મ દિવસે ૧૩મી ફેબ્રુઆરી,૧૯૭૧ના રોજ તેમનો સન્યાસ શરૂ થયો અને તેમને નવું નામ મળ્યું સ્વામી રાજર્ષિ મુનિ.

૧૯૭૬માં ગુરૂ સ્વામી કૃપાલ્વાનંદજીએ જોયેલું સ્વપ્ન સ્વામી રાજર્ષિ મુનિએ ૨૦૧૩માં પૂરું કર્યું. અમદાવાદમાં એસ.જી.હાઈવે પર લોટસ વ્યુ સ્વરૂપે ઊભેલી ગૌરવવંતી લકુલીશ યોગ યુનિવર્સિટીની તેમણે સ્થાપના કરી.આ સંસ્થામાં અષ્ટાંગયોગના પદવી અભ્યાસક્રમ ઉપરાંત કર્મ-જ્ઞાન અને ભક્તિયોગનું પણ શિક્ષણ અપાય છે.

રાજર્ષિ મુનિ ૧૯૭૬થી યોગ વિદ્યાલય ચલાવે છે.લાઇફ મિશન નામની સંસ્થા બનાવી,આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકાકેનેડાયુ.કે.રશિયામાં પણ આવેલાં છે.લાઇફ મિશન ભારતીય સંસ્કૃતિના પુનઃરૂત્થાનનું કાર્ય કરે છે.તેમના માર્ગદર્શનમાં અત્યાર સુધી લાખો લોકો યોગ શીખ્યા છે જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં યોગ શીખવા માટે એક પણ પૈસો લેવામાં આવતો નથી.રાજર્ષિ મુનિને ૨૦૧૯માં ભારત સરકારે પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કારથી નવાજ્યા હતા.

ધ્યાનના પાંચમા સત્ર સુધીમાં સ્વામી રાજર્ષિ મુનિએ કુંડલિની જાગૃત કરી હતી.તેમણે આ વિશે લખ્યું હતું કે આમ શક્તિપાતના એક અઠવાડિયામાં હું કુંડલિની નજીક આવ્યો.આ અસાધારણ પ્રગતિ માત્ર ગુરૂ અને દેવીશક્તિની કૃપાના લીધે જ શક્ય બન્યું હતું. જે સાધુ ગુરૂકૃપા પામે છે તે સાધુઓ જ કુંડલિની જાગૃત કરી શકે છે.

સ્વામી રાજર્ષિ મુનિએ સાધનાના માર્ગે ખૂબ પ્રગતિ કરી તથા સંસ્થાને વૈશ્વિક વ્યાપ અને પ્રતિષ્ઠા  અપાવી.લકુલીશ આધ્યાત્મિક પરંપરાને તેમણે સમગ્ર વિશ્વમાં ઓળખ આપી છે.પૂર્વાશ્રમમાં સોના-ચાંદીના ઘૂઘરે રમેલા અને ગાડી સિવાય ક્યારેય પગ નીચે ના મૂકેલા સ્વામી રાજર્ષિ મુનિ દેશના ગામે ગામ ફર્યા.તેમણે સંસ્કાર કેન્દ્રોની સ્થાપના કરી.એ પછી તેમણે ૨૦૦૭માં જાખણ ગામમાં શ્રી રાજ રાજેશ્વરધામ ત્રિદેવ મંદિરની સ્થાપના કરી.આ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એક સાથે બિરાજે છે.

રાજર્ષિ મુનિએ મલાવ,કાયાવરોહણ,જાખણ,કંજેઠા,અશા,વઘાસિયા,ભેલા,નોર્થ કેરોલિના(અમેરિકા)માં આશ્રમો સ્થપાયા છે.હરિદ્વારમાં ભવ્ય ભગવાન લકુલીશ યોગાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે.તેમની અધ્યાત્મ પરંપરા ચમત્કારોમાં નહીં પરંતુ સાક્ષાત્કારમાં માને છે.સ્વામી રાજર્ષિ મુનિ વિશ્વ સમક્ષ ભારતીય અધ્યાત્મ જ્ઞાનના વારસાને ખૂલ્લો કરવા માંગતા હતા.આ પરંપરા ફક્ત ભૌતિક સુખ-સગવડોને મહત્વ ન આપતાં આત્માને આ જડ પદાર્થોની મોહમાયામાંથી મુક્ત કરવાનું સૂચવે છે.

સ્વામી રાજર્ષિ મુનિએ યોગને સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા અપાવી છે.યોગ એટલે માત્ર કેટલાંક આસનો એવી સીમિત અને સંકુચિત ઓળખ નથી.ભક્તિયોગ,જ્ઞાનયોગ,કર્મયોગ આ બધુ મળીને જીવનયોગ થાય છે.રાજર્ષિ મુનિ ખૂબ મોટા વિદ્વાન હતા અને જીવનના પરમ સાધક હતા.આવો સમન્વય ઘણી ઓછી વ્યક્તિમાં થતો હોય છે.

સ્વામીજી કહેતા કે..અંદરથી સ્ફુરે તે જ સાચું જ્ઞાન કે જેની વિસ્મૃતિ થતી નથી,જે વિસ્મૃતિ થઇ જાય તે ફોકટિયું જ્ઞાન,તેને તો માત્ર જાણકારી,માહિતી કે ગોખણિયું જ્ઞાન જ કહી શકાય..જ્ઞાન આત્મા શાથે સંકળાયેલું છે શરીર શાથે નહીં.આત્મા નષ્ટ થતો નથી તેમ આત્મા સાથે જોડાયેલું આત્મજ્ઞાન પણ નષ્ટ થતું નથી..સાચું જ્ઞાન આત્મતત્વના અનુભવ દ્વારા જ સંભવી શકે.માત્ર પુસ્તકો કે ચર્ચાઓ દ્વારા માહિતી એકઠી કરવાથી કે ગોખણપટ્ટી કરવાથી ન મળી શકે.અનુભવ યુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય માત્ર સમ્યક સાધના જ છે.અનુભવયુક્ત જ્ઞાન એટલે સત્યયુક્ત જ્ઞાન.અનુભવરહિત જ્ઞાન સત્યથી વેગળું હોઇ શકે.

તરતાં આવડતું હોય એવી વ્યક્તિને પચ્ચીસ વર્ષે પણ પાણીમાં નાંખો તો ય ડૂબે નહીં તરે જ અને જેણે માત્ર પુસ્તક જ વાંચ્યું છે તે પચ્ચીસ વર્ષ સુધી ગોખ્યા કરે તો પણ ડુબવાનો જ..! તેમ ગીતાના અઢારે અધ્યાય કંઠસ્થ કરી લીધા એટલે કંઇ ભગવાન મળી જવાના એવું નથી એ જ્ઞાન ગોખેલું છે.આવા ઉત્તમ અનુભવયુક્ત જ્ઞાનનો રસ્તો એટલે યોગ સાધનાનો માર્ગ..એ માર્ગે પ્રવાસ કરો તો જ સીમિત બુદ્ધિની કે તર્કની પકડમાંથી છૂટી શકાય અને તર્કવિતર્કથી છૂટકારો થાયતો જ સંશયથી છૂટી શકાય.સંશય ટળ્યો કે આવરણ હટી જવાનું અને આત્મજ્ઞાન લાધવાનું..મનમાંથી સંશય ટાળવો જોઇએ તે માટે તર્કવિતર્ક કરનારી બુદ્ધિને બંધ કરવી જોઇએ..ભગવાનને જોવા હોય તો પહેલા આવરણયુક્ત બુદ્ધિને તાળું મારવું પડશે. બુદ્ધિને આવરણરહિત અને નિર્મળ બનાવવી પડશે.

આત્મા અને પરમાત્માનું મિલન એ જ છેવટનું અને સંપૂર્ણ સત્ય છે.આ જગતમાં માત્ર એ જ જાણવા જેવું અને અનુભવવા જેવું સત્ય છે.મૃત્યુ એ પરમ સત્ય છે તેથી તેના રહસ્યને જાણવાનું અધ્યાત્મ જગતમાં ઘણું મહત્વ છે.

આધુનિક જ્ઞાન-વિદ્યા આપણો સંસાર વ્યવહાર અને આજીવિકા ચલાવવા માટે,કમાવવા માટે જરૂરી  છે તેટલા પૂરતું શીખજો એનો વાંધો નથી પણ તેને જ આખરી સત્ય ના માની લેશો,એને જ સર્વસ્વ માની ન લેશો,આધ્યાત્મિક જ્ઞાન તરફ પણ મીટ માંડજો.

કોઇ પણ જગ્યાએથી અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાને નિવારીને તટસ્થ ભાવે સમજવાની કોશિશ કરીએ તો ઉપયોગી થાય તેવું જ્ઞાન જરૂર મેળવી શકાય છે.લકુલીશ અધ્યાત્મ પરંપરા ચમત્કારોમાં નહીં પરંતુ સાક્ષાત્કારમાં માને છે.સ્વામી રાજર્ષિ મુનિ વિશ્વ સમક્ષ ભારતીય અધ્યાત્મ જ્ઞાનના વારસાને ખૂલ્લો કરવા માંગતા હતા.આ પરંપરા ફક્ત ભૌતિક સુખ-સગવડોને મહત્વ ન આપતાં આત્માને આ જડ પદાર્થોની મોહમાયામાંથી મુક્ત કરવાનું સૂચવે છે.

આપણે બધા સ્વામી રાજર્ષિ મુનિએ પોતાના જીવનકાળ દરમ્યાન આપેલ આદેશ-ઉપદેશ અને બતાવેલ રસ્તે ચાલવાનો સંકલ્પ લઇએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલી છે. જય ભગવાન

સંકલનઃવિનોદભાઇ માછી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

679dc776-d53d-42b9-8c83-e4cff76713c5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *