વડોદરા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ૨૫ હજારથી વધુ રકમના મિલકત વેરા બાકી હોય તેવા ૧૫ હજાર બાકીદારોને નોટિસ આપીને નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ ૧૫ હજાર બાકીદારો પાસેથી અંદાજે રૂપિયા ૫૦ કરોડની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં ૯૫ ટકાથી વધુ વેરા વસૂલાતની સૂચના આપવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની વસૂલાત અંગે રિવ્યુ કર્યો હતો. જેમાં વોર્ડ નંબર ૧થી ૧૨માં અત્યાર સુધીમાં ૮૦ ટકા વેરાની વસૂલાત થઈ છે, તેવી જાણકારી મેળવી હતી. જેથી બેઠક દરમિયાન માર્ચના અંત સુધી દરેક વોર્ડની ૯૫ ટકાથી વધુ વસૂલાત થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેશને નક્કી કરેલા લક્ષ્યાંક કરતા વધુ વેરાની વસૂલાત કરવામાં આવે. જેથી હાલની વર્તમાન અને જૂની બાકી વસુલાતની રકમ પણ વસૂલાત કરી શકાય અને કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવે અને જરૂર પડે તો પાણી ડ્રેનેજના પણ કનેક્શન કાપવામાં આવે તેવી સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે વેરા વસુલાત અંગે કરેલી કાર્યવાહીની સમીક્ષા કરતા તાજેતરમાં વેરા વસુલાતની ઝુંબેશમાં ૭૫૦ મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા અને બાકીદારો પાસેથી રૂપિયા ૫ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરા અંગે રૂપિયા ૪૮૦ કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમાં મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની કુલ મળી રૂપિયા ૪૦૦ કરોડની વસૂલાત થઈ હોવાની માહિતી વોર્ડ ઓફિસરો દ્વારા રજૂ કરવામાં આવી હતી.


