વડોદરા
મૂળ વડોદરા તાલુકાના અણખોલ ગામના વતની નારણભાઈ ખુશાલભાઈ પટેલ હાલમાં વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહે છે. તેઓની અણખોલ ગામની સીમમાં સર્વે નંબર ૧૨૦, ૯૫, અને ૯૬ નંબરવાળી જમીન આવેલી છે. આ જમીનનો સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન ખેડૂત નારણભાઈ પટેલનો સંપર્ક ભેજાબાજ ત્રિપુટી પૈકી જગદીશ ઉર્ફે જીગ્નેશ નરસિંહ પરમાર (વણકર) (રહે. કૃષ્ણનગર ૨, રામદેવનગર-૧ પાછળ, આજવા રોડ, વડોદરા.) સાથે થયો હતો. ભેજાબાજ જગદીશ ઉર્ફે જીગ્નેશે ખેડૂત નારણભાઈ પટેલને જમીનનો નિકાલ લાવી આપવા માટે તેઓના સાગરીત શાહ સાહેબ નામના વ્યક્તિ અને રણજીત ઝાલાની ઓળખાણ આપી હતી. અને તેઓ સરકારી કચેરી મામલતદાર સહિતના ઉચ્ચ હોદ્દા ઉપર હોવાની ઓળખ પણ આપી હતી. ખેડૂત નારણભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ભેજાબાજ જગદીશ ઉર્ફે જીગ્નેશ પરમાર ૬ વખત ગાંધીનગર ખાતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં લઈ ગયો હતો અને ત્યાં અલગ અલગ માણસો સાથે ઓળખ કરાવતો હતો અને સરકારી અધિકારીઓ હોવાનું જણાવતો હતો અને અધિકારીઓને રૂપિયા આપવા પડશે તેમ જણાવી તા. ૦૨-૦૨-૨૦૨૦ થી તારીખ ૧૫-૪-૨૦૨૧ દરમિયાન રૂપિયા ૪૧.૯૯ લાખ પણ પડાવ્યા હતા. જગદીશ ઉર્ફ જીગ્નેશ પરમાર જણાવતો હતો કે, હું કુબેર ભવન છઠ્ઠા માળે ક્લાર્ક તરીકે નોકરી કરં૬ છું અને મારા સાહેબ શાહ સાહેબ છે અને મારો પગાર રૂપિયા ૬૨,૫૦૦ છે. ભેજાબાજ જગદીશ ઉર્ફે જીગ્નેશ પરમારની વાતમાં આવી ગયેલા ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં અગાઉ અરજી આપી હતી અને જે અરજીની તપાસ દરમિયાન તાલુકા પોલીસે ભેજાબાજ ત્રિપુટી જગદીશ ઉર્ફે જીગ્નેશ નરસિંહ પરમાર, શાહ સાહેબ નામનો વ્યક્તિ અને રણજીત ઝાલા નામના વ્યક્તિ સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી. કે. પંડ્યા કરી રહ્યા છે.જમીનનો નિકાલ કરી આપવાની લાલચ આપીને ૪૧. ૯૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ત્રિપુટી દ્વારા મામલતદાર સહિતના ઉચ્ચ હોદ્દાઓ બતાવી ખેડૂતને વિશ્વાસમાં લીધો હતો અને છેતરપિંડી આચરી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


