Gujarat

વિધાનસભા સત્રમાં કોંગ્રેસ વિરોધ કરે તે પહેલા જ સીપીની બદલી

રાજકોટ
રાજકોટના પોલીસ કમિશનર તરીકે કાર્યરત રહેનારા અત્યારસુધીના તમામ અધિકારીને ‘ઈનામરૂપી’ બદલી જ મળતી હતી અને ખાસ કરીને અહીં કામગીરી કરનાર અધિકારી વડોદરા, સુરત અથવા ગાંધીનગરમાં સારું એવું પોસ્ટિંગ મેળવતા હતા. પરંતુ તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. જેને સજા સિવાય બીજું કશું ગણી શકાય તેમ નથી. પોલીસ કમિશનર તરીકે રાજકોટમાં સાડા ત્રણ વર્ષ સુધી કાર્યરત રહેનાર મનોજ અગ્રવાલની બદલી તોળાઈ રહી હતી અને તેઓ સંભવિત અમદાવાદ અથવા ગાંધીનગર જશે તેવી અટકળો વહેતી થઈ હતી. આ માટે તેમણે અમદાવાદમાં બંગલાનું રિનોવેશન પણ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે હવે તેઓ જૂનાગઢ બદલી થયા છે ત્યારે તેમણે ત્યાં જ રહેવાનું હોવાથી રિનોવેશન ઠેરનું ઠેર રહી જવા પામશે. ૧૭ જૂલાઈ-૨૦૧૮ના રોજ રાજકોટના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતનું સ્થાન મેળવનાર ગૃહ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે સાડા ત્રણ વર્ષ સુધી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. તેમણે ચાર્જ સંભાળ્યાના બે વર્ષ ‘ટનાટન’ મતલબ કે શ્રેષ્ઠ રહ્યા હતા. પરંતુ પાછલા દોઢ વર્ષમાં અનેક વિવાદો થયા હતા. જેને લઈને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા હતા. બરાબર તેવા સમયે જ ૭૫ લાખ જેવો મસમોટો તોડકાંડ પ્રકાશમાં આવતાં અંતે તેમણે સજારૂપી બદલી સાથે જૂનાગઢ જવું પડ્યું છે.રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી પાસેથી ૭૫ લાખનો ‘તોડ’ કરી લેવાયો છે અને તેમાં પોલીસ કમિશનરનો પણ હાથ છે તેવો આક્ષેપ કરતો લેટરબોમ્બ ફોડીને ખળભળાટ મચાવી દીધો હતો. આ મામલે ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને મંત્રી અરવિંદ રૈયાણીએ પણ ઝંપલાવ્યું હતું. શાસક પક્ષના દિગ્ગજ નેતાઓ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા અને બરાબર વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું હોવાથી કોંગ્રેસને ‘તોડકાંડ’ના રૂપમાં હથિયાર ન મળી જાય તે માટે ભાજપે ‘ઓપરેશન રાજકોટ’ને પાર પાડી દીધું છે. આ કાંડમાં પગલા લેવાશે તેવા એંધાણ તો પહેલાંથી જ મળી રહ્યા હતા. પરંતુ આટલા આકરા પગલા લેવાશે તેની કોઈને કલ્પના પણ નહોતી. જ્યારે કોઈ પક્ષના જ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય તપાસની માગણી કરી રહ્યા હોય ત્યારે સજ્જડ કાર્યવાહી કરવા માટે ભાજપ પણ ‘ફિક્સ’માં મૂકાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજીબાજુ વિધાનસભા સત્રને પણ બે દિવસનો સમય બાકી રહ્યો છે. પરંતુ સત્ર મળે તેના પહેલાં જ ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. સરકાર દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી નાખી છે તો ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ વી.કે. ગઢવી કે જે હાલ વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં છે. ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈએસ (હાલ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ) એસ.વી.સાખરા અને પીઆઈના રાઈટર યોગેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરી દીધા છે. હવે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો એ પણ ઝંપલાવ્યું હોવાથી આ ચારેયની મુશ્કેલી વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એસીબી દ્વારા હવે આ ચારેય અધિકારી અને કર્મચારી પાસે કેટલી સંપતિ છે તેની બારિકાઈથી તપાસ કરવામાં આવશે. એટલા માટે ધારણા બહારની કાર્યવાહી થાય તેવી પણ સંભાવના નકારી શકાતી નથી. પીઆઈ, પીએસઆઈ અને રાઈટર ઉપર શા માટે સસ્પેન્ડની તલવાર ફેરવી દેવામાં આવી છે? આ પાછળનું મુખ્ય કારણ એ ગણવામાં આવી રહ્યું છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડીનો બનાવ બની ગયો હોવા છતાં તેની ફરિયાદ લેવાને બદલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘ઓનેઓન’ અરજીના આધારે કાર્યવાહી કરવાનું ડીંડવાણું કરવામાં આવ્યું અને અરજીના આધારે જ ફરિયાદી પાસેથી ‘તોડ’ પણ કરી લેવામાં આવ્યો. આ અંગે એક નહીં પરંતુ અનેક પૂરાવા મળી જતાં સરકાર પાસે આ ત્રણેયને સસ્પેન્ડ કરવા સિવાયનો કોઈ જ રસ્તો બચતો નહોતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *