સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ શેત્રંજ વડાળા ગામ સ્થિત ચામુંડા માતાજીના મંદિરના પટાંગણમાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચામુંડા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ 51 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શેત્રંજ વડાળા ગામ સ્થિત સમસ્ત બલદાણીયા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી મંદિરમાં ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત પુન : મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 કુંડીનો હોમાત્મક હવન તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી માનવ ધર્મ નિભાવ્યો હતો. વિશેષમાં સૃષ્ટિ અને પર્યાવરણનું પણ અમૂલ્ય ઋણ ચૂકવવાનાં ભાગરૂપે વૃક્ષ એજ જીવન સૂત્રને સાર્થક કરતો વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. તેમજ રાત્રીના નામી અનામી કલાકારોના ભવ્ય લોકડાયરામાં દેવિનભાઈ ઓડેદરા, ભાવેશભાઈ આહીર, સુભાષભાઈ જલુ, મિલનભાઈ તળાવીયા અને જે બી. આહીર દ્વારા પ્રેરકવાતો, હાસ્યની રમઝટ, સાંસ્કૃતિક વાતો, સંતવાણીના સુરો રેલાયા હતા અને શ્રોતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટીવેશનલ સ્પીકર જે બી અહિર તેમજ તેમની ટીમ અને નાના મોટા દાતાઓ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, આ ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં પૂજન અર્ચન ,દર્શન અને મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં ભવિકોએ ધર્મલાભ લીધો હતો.


