વડોદરા
ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એમ ત્રણ પ્રકારની ઉન્નતિનો માર્ગ બતાવ્યો છે, ત્યારે ભારતમાં આધ્યાત્મનો પ્રચાર થાય તે હેતુથી શરૂ થયેલા ખાનગી ટીવી ચેનલ પરનાં આધ્યાત્મિક સંગીતના રિયાલિટી શોના ટોપ ૨૦માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે શહેરના એક માત્ર યુવાનની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના પ્રિયાંશ શાહે જણાવ્યું હતું કે, મને નાનપણથી જ સંગીતમાં રુચિ હતી અને તેના કારણે મેં ભારતીય પરંપરાગત સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં મેં ૧૦૦થી વધારે લાઈવ શો કર્યાં છે અને મ્યુઝીક પ્રિયાંશ નામથી મારા ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી ૧૧ હજાર ફોલોઅર્સ છે. આ વિકેન્ડથી શરૂ થઈ રહેલા આધ્યાત્મિક રિયાલિટી શોમાં ભારતમાંથી ફક્ત ૨૦ કલાકારોની પસંદગી કરવામાં આવી છે. જે પસંદગી પ્રક્રિયા છેલ્લા ૩ મહિનાથી ચાલતી હતી. શોના આયોજકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કર્યો હતો. આ શોમાં કૈલાશ ખેર, સુરેશ વાડિકર અને કુમાર વિશ્વાસ જજ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે શોનું સંચાલન રવિ કિશન દ્વારાકરવામાં આવશે. આ શોના ટોપ ૫માં આવીને હું ગુજરાત અને વડોદરાનું નામ વિશ્વફલક પર રોશન કરવા માંગુ છું. ૨૨ વર્ષીય પ્રિયાંશે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને શાસ્ત્રીય સંગીત તરફ વળવું જાેઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિના અંધાનુંકરણના કારણે આપણે આપણી સંસ્કૃતિથી વિખૂટા પડી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, રમકડાં રમવાની ઉંમરથી જ ભારતીય સંસ્કૃતિના વારસાને સાચવવા અને જન માનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પ્રિયાંશ સંગીતની સાધના કરી રહ્યો છે. છેલ્લા ૧૬ વર્ષથી શાસ્ત્રીય સંગીતની સાધના કરીને પ્રિયાંશ અત્યારે નેશનલ લેવલના શોમાં સિલેક્ટ થયો છે.
