મુંબઈ
શિવસેનામાં ઐતિહાસિક ભંગાણ પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ ત્રીજી નવેમ્બરે યોજાનારી અંધેરી (પૂર્વ) વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી અને એકનાથ શિંદે સામે ટકરાવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેનાં ઉમેદવાર ઋતુજા લટકેને હાઇજૅક કરવાનો પ્લાન બનાવી રહ્યું હોવાની ચોંકાવનારી વાત ગઈ કાલે સામે આવી હતી. પેટાચૂંટણીમાં આ બેઠક બીજેપીને ફાળવાઈ હોવા છતાં એકનાથ શિંદે જૂથ ઋતુજા લટકેને પોતાના તરફ ખેંચીને ઉમેદવાર બનાવે એવી અટકળો લગાવાતાં બીજેપીએ જાહેર કરેલી ઉમેદવારનું શું થશે એની સામે સવાલ ઊભો થયો છે. આ વિશે બીજેપીના કોઈ નેતા કંઈ કહેતા પણ નથી. આથી સસ્પેન્સ વધ્યું છે. બીજી તરફ ઋતુજા લટકે બીએમસીનાં કર્મચારી હોવાથી તેઓ ચૂંટણી લડી ન શકે એ માટે તેમણે ત્રીજી ઑક્ટોબરે રાજીનામું આપ્યું હતું, જે હજી સુધી મુંબઈ બીએમસીએ સ્વીકાયું નથી. આથી ઉદ્ધવ ઠાકરે જૂથે ઋતુજા ચૂંટણી લડી ન શકે એ માટે તેમનું રાજીનામું સ્વીકાર નથી કરાતું એવો આરોપ મુંબઈ બીએમસીના કમિશનર પર લગાવ્યો છે અને આ મામલે તાત્કાલિક ર્નિણય લેવા બાબતની એક અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે. ત્રીજી નવેમ્બરે થનારી અંધેરી (પૂર્વ) વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આવતી કાલે છેલ્લો દિવસ છે. આથી જાે ઋતુજા લટકેનું રાજીનામું સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આવતી કાલે ઉમેદવારી નોંધાવી નહીં શકે. બીજી તરફ આ ચૂંટણી માટે બીજેપી મુંબઈના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે મુરજી પટેલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્?ઘાટન કર્યું હોવા છતાં ગઈ કાલે ચોંકાવનારી ચર્ચા શરૂ થઈ હતી કે બીજેપીને બદલે હવે એકનાથ શિંદે ઋતુજા લટકેને હાઇજૅક કરીને ઉમેદવારી નોંધાવવાના છે. જાેકે આ વિશે કોઈ કંઈ બોલતું નથી એટલે આ માત્ર ચર્ચા હોવાની જ શક્યતા છે. આજની સ્થિતિમાં સરકાર ચલાવવા માટે એકનાથ શિંદેનો બીજેપી અને દેવેન્દ્ર ફડણવીસની જરૂર છે એટલે તેઓ બીજેપીને અંધેરી (પૂર્વ)ની બેઠક આપ્યા બાદ અહીં પોતાનો ઉમેદવાર ઊભો રાખે એવી કોઈ ચાલ ચાલે એવું લાગતું નથી. આમ છતાં આવા સમાચાર વહેતા થવાથી રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે મુરજી પટેલે કહ્યું હતું કે તેઓ આજે ઉમેદવારી ફૉર્મ ભરશે અને જાે પક્ષ ના પાડશે તો આદેશ માન્ય રાખશે. ઉદ્ધવ ઠાકરે જૂથે મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ પર રાજ્ય સરકારનું દબાણ હોવાથી તેઓ ઋતુજા લટકેનું રાજીનામું સ્વીકાર નથી કરતા એવો આરોપ મૂક્યો છે અને આ મામલે ઝડપથી ર્નિણય લેવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં ગઈ કાલે અરજી પણ દાખલ કરી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ પરબે આ સંબંધે માહિતી આપી હતી અને ઋતુજા લટકે ચૂંટણી ન લડી શકે એ માટેના પ્રયાસ વિરોધીઓ દ્વારા કરાઈ રહ્યા હોવાનો આરોપ કર્યો હતો. જવાબમાં ઇકબાલ સિંહ ચહલે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે ‘મારા પર સરકારનું કોઈ દબાણ નથી. ઋતુજા લટકેએ ત્રીજી ઑક્ટોબરે રાજીનામું આપ્યું છે. બીએમસી ૩૦ દિવસમાં રાજીનામા બાબતનો ર્નિણય લઈ શકે છે.’


