મહારાષ્ટ્ર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સતત લાગી રહેલા આંચકાઓ વચ્ચે હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરનો અંકુશ ગુમાવી દીધો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના શિવસેનાના ૬૬ કાઉન્સિલર એકનાથ શિંદે કેમ્પમાં જાેડાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ૬૬ બળવાખોર કાઉન્સિલરો બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. શિવસેનાના ૬૭ કાઉન્સિલરોમાંથી ૬૬ના પક્ષપલટા સાથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર ઉદ્ધવ ઠાકરેનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પછી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મહારાષ્ટ્રમાં સૌથી મહત્વપૂર્ણ નાગરિક સંસ્થા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ નેતા એકનાથ શિંદે દ્વારા બળવો શરૂ થયા બાદ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેના કારણે મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની મહાવિકાસ આઘાડી સરકાર ૨૯ જૂને પડી ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યાના એક દિવસ પછી, એકનાથ શિંદેએ શિવસેનાના ૪૦ બળવાખોર ધારાસભ્યો અને અપક્ષોના સમર્થન સાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જાે કે તેમ છતાં શિવસેનાની રાજકીય કટોકટી હજી પૂરી થતી જણાતી નથી. ઉદ્ધવના વફાદાર અને શિંદે જૂથ બંને દાવો કરે છે કે તેમનો જૂથ મૂળ શિવસેનાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને પક્ષો પાર્ટીના ‘ધનુષ અને તીર’ના નિશાન પર કબજાે કરવા માટે પણ દાવા કરી રહ્યા છે.
